અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા અંગે કરાયેલા કથિત વાણી વિલાસને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મેવાણીના નિવેદનને સંસ્કારહીન ગણાવ્યું છે અને બિનશરતી માફીની માંગણી કરી છે.
ભાજપ એસસી મોરચાના પ્રમુખ ગૌતમ ગેડિયાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વાણી વિલાસનો આરોપ લગાવ્યો. તેમણે ખાસ કરીને જીગ્નેશ મેવાણીના નિવેદનને વખોડતા કહ્યું, મેવાણી દ્વારા પ્રધાનમંત્રી માટે જે વાણી વિલાસ કરાયો છે, તે ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે. આ નિવેદન વેરઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ શરૂ કરે છે. મેવાણીનું નિવેદન એ બક્ષીપંચ સમાજનું અપમાન છે અને સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે, કારણ કે તેમણે પ્રધાનમંત્રીના માતા માટે નિમ્ન કક્ષાની ભાષા વાપરી છે.
ગૌતમ ગેડિયાએ માંગણી કરી છે કે મેવાણીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જ્યાં સુધી જિગ્નેશ મેવાણી માફી નહીં માગે, ત્યાં સુધી અનુસૂચિત જાતિ મોરચો વિવિધ કાર્યક્રમો આપશે. તેમણે મેવાણી પર તાયફાની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, દારૂ જેવા મુદ્દા વિધાનસભા જેવા યોગ્ય ફોરમ પર ઉઠાવવા જોઈએ.
ભાજપ એસસી મોરચા દ્વારા મેવાણી પાસે માફી માંગવાની માંગણી બાદ કોંગ્રેસે તેના પર વળતો પ્રહાર કર્યો હતો. કોંગ્રેસે ભાજપ એસસી મોરચાની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપી હતી. હિરેન બેંકરે કહ્યું કે કોરાણે મુકાયેલો ભાજપ SC મોરચો આજે જાગ્યો એ સારી બાબત છે. દલિત પર અત્યાચાર થયા ત્યારે આ મોરચો કેમ ચૂપ હતો ? તેમણે પ્રશ્ન કર્યો કે નિષ્ફળ અને નિષ્ક્રિય મોરચાને હવે બ્રહ્મજ્ઞાન કેમ આવ્યું, જ્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવા દલિત અને આદિવાસી સમાજના નેતાઓને અપમાનિત કરે છે, ત્યારે મોરચો કેમ ચૂપ રહે છે ?
નોંધનિય છે કે જીગ્નેશ મેવાણીએ વડનગરમાં જઇને કહ્યું હતું કે અહીંથી મોદી જેવા લોકો પેદા થયા છે અને તેમને જનતા માટે કંઇ પણ કર્યું નથી, હવે આ મામલે ભાજપ આકરા પાણીએ છે.
LIVE: કોંગ્રેસ સહિત વિવિઘ પક્ષના નેતાઓ અને ઘારાસભ્યશ્રીઓએ કરેલા વાણીવિલાસ સંદર્ભે પત્રકાર પરિષદ. #PressConference https://t.co/c5ePFTBwWj
— BJP Gujarat (@BJP4Gujarat) December 2, 2025