+

Part-2: GST ના માફિયાઓ સામે IRS સમીર વકીલ લાચાર ! એક JC પણ માફિયા બનીને આવી રીતે છોડાવે છે બિલ વગરની ગાડીઓ- GujaratPost

(સ્ટોરીઃ મહેશ. R પટેલ, એડિટર) શામળાજીમાં ટેક્સ માફિયા બેફામ અધિકારી બની ગયા માફિયા, તેમના જ કર્મચારીઓને દમ મારીને છોડાવે છે ગાડીઓ એમ એસ સ્ક્રેપ, કોપર, તમાકુ-ગુટખાના વેપારીઓ માટે બની ગયા દલાલ

(સ્ટોરીઃ મહેશ. R પટેલ, એડિટર)

શામળાજીમાં ટેક્સ માફિયા બેફામ

અધિકારી બની ગયા માફિયા, તેમના જ કર્મચારીઓને દમ મારીને છોડાવે છે ગાડીઓ

એમ એસ સ્ક્રેપ, કોપર, તમાકુ-ગુટખાના વેપારીઓ માટે બની ગયા દલાલ

સરકારની તિજોરી ખાલી કરવામાં આવા જ ભ્રષ્ટ અધિકારીઓની સંડોવણી

ભાવનગરની જેલમાંથી છૂટીને આવેલા આરોપીના જામીન રદ થવા જોઇએ

પોપટ નામનો વ્યક્તિ કોણ છે ? જે જીએસટીના અધિકારીઓ સાથે સંબંધ ધરાવે છે

ખિસ્સા ગરમ કરવા ઓફિસના અધિકારીઓ ગાડીઓ છોડાવવા કરે છે ફોન  

સરકાર પગાર આપે છે છંતા આ બેશરમોને સંતોષ નથી, એસીબીએ કરવી જોઇએ તપાસ

અમદાવાદઃ ગુજરાત સરકારની તિજોરીને મોટું નુકસાન સ્ટેટ જીએસટીના અધિકારીઓ જ કરાવી રહ્યાં છે, જીએસટી કમિશનરનો હાલમાં જે ચાર્જ સંભાળી રહ્યાં છે તે આઇઆરએસ અધિકારી સમીર વકીલને તેમના જ નીચેના અધિકારીઓ ફેરવી રહ્યાં છે અને ખોટી માહિતી આપીને સબ સલામતના દાવા કરી રહ્યાં છે, એક જોઇન કમિશનર લેવલના અધિકારીને મોબાઇલ સ્કવોર્ડ સાથે કંઇ લેવા દેવા ન હોવા છંતા તેઓ નફ્ફટ બનીને તેમાં દખલગીરી કરીને સ્ક્રેપ અને તમાકુ-ગુટખાની ગાડીઓ છોડાવી રહ્યાં છે. તેમના જ કોઇ કર્મચારી ગાડીઓ પકડે છે અને આ મહાશય ફોન કરીને ગાડીઓ છોડાવી દે છે,આ અધિકારી અમદાવાદ જીએસટી કમિશનર ઓફિસમાં બેસે છે અને તેઓ અગાઉ નડિયાદમાં હતા ત્યારે પણ તેમના અનેક કારનામા ચર્ચાઓનો વિષય હતા.

કેવી રીતે અધિકારીઓ બની ગયા માફિયા ?

આ આપણી લાઇનની ગાડી છે તેમ કહીને શામળાજી પાસે કર્મચારીને માર્યો દમ

માફિયાએ તેના અધિકારી માફિયાને ફોન કર્યો અને ગાડી છૂટી ગઇ

18 મે 2024 ના દિવસે સવારે 10.30 વાગ્યાની આસપાસ વિજાપુરથી રાજસ્થાન પ્રતાપગઢ સ્ક્રેપની ગાડી બિલ વગર જઇ રહી હતી, આ ટ્રકને શામળાજી મોબાઇલ સ્કવોર્ડના કોઇ કર્મચારીએ રોકી હતી, આ ગાડી વિનોદ ટ્રાન્સપોર્ટની RJ-35 પાસિંગની ગાડી હતી, ત્યારે તાત્કાલિક ગાડી છોડી દેવા માટે ડ્રાઇવરે તેના ફોનથી કર્મચારી સાથે વાત કરાવી હતી અને ડ્રાઇવરના મોબાઇલ નંબર પર વાત કરનાર દલાલ અને અમદાવાદ ઓફિસના કોઇ અધિકારી હતા, તાત્કાલિક બિલ વગરની આ ગાડીને જવા દેવામાં આવી હતી, આ ટોલટેક્સની એન્ટ્રી, સીસીટીવી અને ડ્રાઇવરના મોબાઇલ નંબરને આધારે જો કમિશનર ઇચ્છે તો તેની તપાસ કરાવી શકે છે, ડ્રાઇવરનું નામ અને મોબાઇલ નંબર અમારી પાસે ઉપલબ્ધ છે, જો કમિશનર આ કેસની તપાસની બાંહેધરી લેતા હોય તો અમે તેમને પુરાવા આપવા તૈયાર છીએ.

ભાવનગર, વિજાપુર, સુરત, વડોદરા, અંકલેશ્વરથી અનેક ટ્રકો બિલ વગર શામળાજીથી રાજસ્થાન જઇ રહી છે.

સ્ક્રેપનો કરોડો રૂપિયાનો બિઝનેસ આ માફિયા હેંડલ કરે છે

પંજાબના ગોવિંદપુરમાં જઇ રહેલી ગાડીઓની કરોડો રૂપિયાની ટેક્સ ચોરી

ટેક્સ માફિયા કરોડો રૂપિયા ઉઘરાવીને કોણે પહોંચાડે છે ?

સ્ટેટ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારી આ કેસની ઉંડી તપાસ કરે તો રોજની કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પકડી શકાય છે, શામળાજીથી જે ગાડીઓ રાજસ્થાન થઇને ગોવિંદનગર જઇ રહી છે, તેમાં અહીંનો એક દલાલ મહિને 38 થી 50 લાખ રૂપિયા સુધીના હપ્તા લઇ રહ્યો છે, આવા તો અનેક ટ્રાન્સપોર્ટ અને પેઢીઓ છે જેને આ દલાલે છોડ્યાં નથી. સૌથી મોટો સવાલ એ છે કે સ્ટેટ જીએસટી કમિશનર આ મામલે ચૂપ કેમ છે ? અહીંના ટોલ ટેક્સ અને સીસીટીવીના ડેટા, ઉપરાંત તેમની પાસે રહેલા સોફ્ટવેરને આધારે આધારે તપાસ કેમ થતી નથી ? તેમના અધિકારીઓ અને કર્મચારીઓની આ કૌભાંડમાં સંડોવણી છે તો તેમની સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? આ તમામ વિગતો કમિશન અને રાજ્યનાં નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉભા કરે છે.

કૌભાંડનો ઘટસ્ફોટ થતા માફિયાના ફંટરો ગુમ, મોબાઇલ બંધ કરાવી નાખ્યાં  

એજન્સી ઇચ્છે તો મોબાઇલ ડેટાના પુરાવા મળી શકે છે

સમગ્ર કૌભાંડમાં શામળાજીના એક માફિયાની સંડોવણી સ્પષ્ટ દેખાઇ રહી છે, અગાઉ તેને સ્ક્રેપની ટેક્સ ચોરીના કેસમાં ભાવનગર જેલની હવા ખાધી છે, હાલમાં તે જામીન પર છે, તેમ છંતા તે અન્ય ફંટરો મારફતે આ ધંધો કરી જ રહ્યો છે, જો કે આ કૌભાંડ સામે આવ્યાં બાદ તેને ભાવનગર, સુરત, અમદાવાદની બિલ વગરની ગાડીઓ કાઢનારી પેઢીઓને હાલ પુરતી ગાડીઓ ન કાઢવા અને થોડા સમય રાહ જોવા મનાવી લીધી છે. આ દલાલ એવું સમજે છે કે કોઇની સ્ટોરીની કોઇ અસર થવાની નથી, તે મીડિયાને કમજોર સમજીને અધિકારીઓને સાથે રાખીને થોડા દિવસો પછી પોતાનો ધંધો શરૂ કરી દેશે.તેવા ફાક્કા પણ મારે છે. જો કે હાલમાં શામળાજી બોર્ડર પર જાસૂસી કરાવવા અને ગાડીઓને સમયસર બોર્ડર પાર કરાવવા જે ફંટરો રાખ્યાં હતા તે બધા અહીંથી ફરાર છે, ભ્રષ્ટ અધિકારીઓની જોરે કૂદીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરાવનારો આ માફિયા કાયદાને હજુ ગણતો  જ નથી. પરંતુ તેને ક્યાં ખબર છે કે આ ભૂપેન્દ્ર પટેલની સરકાર જો કોઇ કૌભાંડી IAS ને અંદર કરી શકે છે તો તેના આકાઓનો વારો પણ જલ્દી જ આવવાનો છે.

પોપટ નામનો વ્યક્તિ કોણ છે ? શું સ્ટેટ જીએસટીની ગાડીઓના ડ્રાઇવરોની પણ સંડોવણી આ સ્કેમમાં છે ?

જેલની હવા ખાધા બાદ માફિયા એવું કહેતો ફરે છે કે હું આ કામ કરતો નથી, પરંતુ જેમ વાંદરો ગુલાટી મારવાનું ભૂલતો નથી, તેમ આ માફિયા સુધરતા નથી,રાજસ્થાન બોર્ડર પર શામળાજીથી બિલ વગરની ગાડીઓને કાઢવામાં પોપટ નામના કોઇ ફંટરની  મોટી ભૂમિકા છે, તે મહેસાણા, વિજાપુર, ભાવનગર, સુરત, રાજસ્થાન, દિલ્હી, પંજાબના વેપારીઓ માટે કામ કરે છે, ઘણા કિસ્સાઓમાં મલાઇ પુરી ખાઇ લેવા માટે આ માફિયાઓ અધિકારીઓની જાણ બહાર પણ સ્ક્રેપની ગાડીઓ કાઢે છે, જેમાં સ્ટેટ જીએસટીના બંને ડ્રાઇવરોની ભૂમિકા શંકાસ્પદ છે, આ લોકોના મોબાઇલમાં લોકેશનથી માંડીને અનેક વસ્તુઓની આપલે થયેલી છે, ભલે આ લોકોએ મોબાઇલનો બધો ડેટા સાફ કરી નાખ્યો હોય પરંતુ પોલીસ કે અન્ય એજન્સી આ તપાસ કરે તો કૌભાંડીઓને મોટો ફટકો લાગે તેમ છે. એક રીતે જીએસટીની ગાડીઓ ક્યાં ફરે છે તેની જાસૂસી થઇ રહી છે તેમ પણ કહી શકાય, સરકારી કર્મચારીઓની જાસૂસી મુદ્દે કમિશનરે પણ વિચાર કરવો જોઇએ.

(આ વ્હોટ્સએપ કોલિંગનો સ્ક્રીન શોટ્સ છે જેમાં માફિયા અધિકારીએ આદેશ આપ્યાં હતા, અમે તેની ઓળખ છુપી રાખીએ છીએ, જરૂર પડશે તો પુરાવા માટે આપીશું)

માફિયાની ખુલ્લી ગુંડાગીરી, જો વેપારી હપ્તો ન આપે તો ગાડી પકડાવીને તોડ કરવાનો  

અગાઉ મહારાષ્ટ્રના એક વેપારીની મરીની ગાડીનો મોટો તોડ થયો હતો, આ મામલો શામળાજીમાં ચર્ચાનો વિષય હતો અને લાખો રૂપિયાના તોડની વાત અનેક ન્યૂઝ પેપરોમાં આવી હતી. બધા જ ટેક્સચોર વેપારીઓ જાણે છે કે બિલ વગર જો કામ કરવું હોય તો અહીં એક જ માફિયા છે તેની પાસે જવું જ પડે, અને જો કોઇ વેપારી તેની મંજૂરી વગર ગાડીઓ કાઢે છે તો તે ગાડી મોબાઇલ સ્કવોર્ડના અધિકારીઓ પાસે પકડાવી દેવામાં આવે છે અને પછી 10થી 20 લાખ રૂપિયા સુધીના તોડ કરવામાં આવે છે. એમએસ સ્ક્રેપ, તમાકુ-ગુટખાની ગાડીઓના અનેક વખત આ માફિયાએ તોડ કર્યાં છે.

અમદાવાદ ઓફિસના ઉચ્ચ અધિકારીના આર્શીવાદ

નડિયાદમાં પણ આ અધિકારીએ અનેક ખેલ પાડ્યાં હતા

એક જોઇન કમિશનર લેવલના અધિકારી આખા ગુજરાતમાં સ્ક્રેપનું નેટવર્ક ચલાવી રહ્યાં હોવાનું તેમની જ ઓફિસમાં ચર્ચાઇ રહ્યું છે, આ અધિકારી અને શામળાજીના માફિયા વચ્ચે સંબધો હોય શકે છે, તેઓ સ્ટેટ જીએસટી કમિશનર ઓફિસથી જ ટેક્સ ચોરીનું આખું કરોડો રૂપિયાનું રેકેટ ચલાવી રહ્યાં છે, આ ગેંગ ભાવનગર, સુરત, વડોદરા, વિજાપુર, હિંમતનગરથી લઇને પુરા ગુજરાતમાં રોડના રૂટની જવાબદારી પણ લેતી હોવાનું સાંભળ્યું છે, રોજની અનેક ગાડીઓ બિલ વગર ગુજરાતના રસ્તાઓ પર જઇ રહી છે. કોઇ પણ જગ્યાએ તેમના કર્મચારી જો અજાણતા ગાડી ઉભી કરી નાખે છે તો તરત જ અમદાવાદ જીએસટી ઓફિસમાંથી તેમને ફોન આવી જાય છે અને બિલ વગરની ગાડી છોડી દેવી પડે છે.

અમે પુરાવા આપવા તૈયારી છીએ, આ રહ્યાં ટ્રાન્સપોર્ટરના નામો...હવે તો કાર્યવાહી કરો કમિશનર

અગાઉ અમે પહેલા ભાગમાં કેટલાક ટ્રાન્સપોર્ટરોના નામો આપ્યાં હતા, આજે પણ કેટલાક નવા નામો છે, જેમાં ચૌધરી ટ્રાન્સપોર્ટ, વિનોદ ટ્રાન્સપોર્ટ, સૂરજ ટ્રાન્સપોર્ટ, સૂર્યા ટ્રાન્સપોર્ટ, કેટીસી, એન.આર.ટ્રાન્સપોર્ટની ટ્રકો શામળાજીથી ખુલ્લેઆમ બિલ વગર અવર જવર કરી રહી છે, દિવસની કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઇ રહી છે, જેમાં એન.આર.ટ્રાન્સપોર્ટ અને અજય ગોલ્ડનની ગાડીઓમાં તમાકુ અને ગુટખા બિલ વગર જઇ રહ્યાં છે. અમદાવાદની આશ્રમ રોડ પરની જીએસટી ઓફિસથી આ માફિયાઓને ખુલ્લેઆમ મદદ મળી રહી છે. ખાસ કરીને તમાકુ અને સ્ક્રેપમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી થઇ રહી છે.

ટાઇલ્સના વેપારીઓ પાસેથી પણ લેવાય છે હપ્તા

શામળાજીથી અવર જવર કરતી મોરબી અને હિંમતનગરની ટાઇલ્સની ગાડીઓના પણ હપ્તા લેવામાં આવે છે. માફિયા દ્રારા કોપર, એમએસ સ્ક્રેપ, એલ્યુમિનિયમ, તમાકુ-ગુટખામાં ટેક્સ ચોરી કરાવવામાં આવે છે અને લાખો રૂપિયાના ઉઘરાણા કરાય છે. અગાઉ એક અધિકારીએ ટાઇલ્સમાં મસમોટી મલાઇ ખાધી અને પછી ટાઇલ્સવાળાઓ તેમને પોતાની સાથે જ લઇ ગયા હોવાનો  કિસ્સો ચર્ચાસ્પદ છે.

ભાવનગરની જેલની હવા ખાધી, પણ આ ધંધો છોડવો નથી, હવે તેના ફંટરો નામ બદલીને કામ કરે છે

કેટલાક વેપારીઓ કદાચ ખુશ હતા કે આ માફિયા જેલમાં ગયો છે, પરંતુ તે થોડા જ સમયમાં બહાર આવી ગયો અને ગેંગ બનાવીને ફરીથી તેને ટેક્સચોરીનું કૌભાંડ ઓપરેટ કરવાનું શરૂ કરી દીધું, હવે તેના ફંટકો કોઇના નામે મોબાઇલ વાપરે છે અને વેપારીઓનો સંપર્ક કરીને ગાડીઓ તો અમારા વગર કાઢવા જ નહીં દઇએ તેમ કહે છે, હાલમાં જ નામ બદલીને તેના કોઇ ફંટરે મહેશ નામથી વેપારીઓ સાથે ડિલ કરી છે, આ ફંટરો વ્હોટ્સએપ કોલથી બધાનો સંપર્ક કરે છે.  

ભાવનગરની જેલની હવા ખાનારા માફિયા સાથે આપણી સરકારનો પગાર ખાતા અધિકારીઓની મિલીભગત

અધિકારીઓ પણ આરોપી સાથે મળીને માફિયા જેવા થઇ ગયા   

આ વ્યક્તિ ભાવનગરની સ્ક્રેપની ગાડીના કેસમાં જેલમાં ગયો હોવા છંતા અધિકારીઓ પોતાની નોકરી જોખમમાં મુકી રહ્યાં છે, આ અધિકારીઓને ખબર છે કે આ માફિયા જેલમાં ગયો હતો, કરોડો રૂપિયાની ટેક્સચોરીમાં તે સંડોવાયેલો છે,તેમ છંતા આ લોકો બેશરમીથી તેની સાથે કામ કરીને સરકારી તિજોરી ખાલી કરાવી રહ્યાં છે. દિવસની અનેક ટ્રકોની શામળાજીથી હેરાફેરી થઇ રહી છે અને રાજ્ય સરકારને પણ આ કૌભાંડની હજુ સુધી ગંધ નથી આવી. જો સીટની રચના કરીને કોઇ દમદાર અધિકારી દ્વારા આ કૌભાંડની તપાસ કરાવવામાં આવે તો વર્ષે ટેક્સ ચોરીનો આંકડો હજારો કરોડ રૂપિયામાં હોય શકે છે.

અજય ગોલ્ડન પાસેથી લાખો રૂપિયા હપ્તા ખાધા

તમાકુ, જીરૂંની હેરાફેરીમાં વિજાપુર, ઉંઝા, મહેસાણાની પેઢીઓની સંડોવણી

અધિકારીઓ અને માફિયાએ મિલિભગતથી તમાકુની ગાડીઓમાં લાખો રૂપિયાના હપ્તા ખાધા છે. GJ-2 પાસિંગની ગાડીઓમાં અહીં કરોડો રૂપિયાની તમાકુની હેરાફેરી બિલ વગર જ થઇ રહી છે, ખાસ કરીને વિજાપુર, ઉંઝા જેવા વિસ્તારની પેઢીઓ પણ તેમાં સંડોવાયેલી છે, અગાઉ આવી ગાડીઓને કેટલાક ઇમાનદાર અધિકારીઓ દ્વારા પકડીને સ્થળ પર જ ટેક્સ ભરાવવામાં આવ્યો હતો, જ્યારે RJ-27 અને RJ-35 પાસિંગની અનેક ગાડીઓમાં બિલ વગર જ માલની હેરાફેરી થઇ રહી છે અને આ પેઢીઓ પાસેથી રૂપિયા લઇને સરકારી તિજોરીને નુકસાન કરાવવામાં આવી રહ્યું છે.

(બિલ વગર જઇ રહેલી ગાડીનો ફોટો છે, જે અમારા પ્રતિનિધી દ્વારા મોકલવામાં આવ્યો છે, જો કે આ સાબિત તો જીએસટી વિભાગ જ કરી શકે છે, આ ફોટો ગત 16 તારીખની રાતનો છે)

ગાંધીનગર નાંણા વિભાગના IAS લેવલના અધિકારીઓની નિષ્ફળતા

સ્ટેટ જીએસટી કમિશનર ઓફિસના ઉચ્ચ અધિકારીઓને કેટલાક લોકો ગેરમાર્ગે દોરીને પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યાં છે અને આ સમગ્ર કૌભાંડ દબાવવા બદલી જેવા નાટકો થવાની તૈયારીઓ દેખાઇ રહી છે, પરંતુ આ સમગ્ર ટેક્સ ચોરીના ષડયંત્રમાં સામેલ તમામ અધિકારીઓ-કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ, કમિશનર સમીર વકીલે જોરદાર કામગીરી કરીને જેમ  અમદાવાદ, ભાવનગર, સુરતના બોગસ બિલિંગના માફિયાઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે તેમ હવે શામળાજી સહિતની તમામ બોર્ડર પર થતા આ ટેક્સચોરીના ગોરખધંધા બંધ કરાવીને રાજ્ય સરકારની તિજોરીમાંથી થતી લૂંટ અટકાવવી જોઇએ નહીં, સાથે એમ પણ લાગી રહ્યું છે કે આવા કૌભાંડો અટકાવવા ગાંધીનગરમાં નાણાં વિભાગમાં બેઠેલા આઇએએસ લેવલના અધિકારીઓ પણ નિષ્ફળ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter