અમરેલી: રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક થોડા દિવસો અગાઉ બનેલી એક ગંભીર ઘટનામાં વન વિભાગે ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. એક યુવક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારનાર 4 સિંહોને હવે આજીવન જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં કેદ રાખવામાં આવશે. સાસણ ગીર લેબોરેટરીના સત્તાવાર રિપોર્ટમાં આ જ સિંહોએ માનવ ભક્ષણ કર્યું હોવાની પુષ્ટિ થઈ હતી.
થોડા દિવસો અગાઉ કોવાયા ગામ નજીક ઉત્તરાખંડના વતની પ્રકાશચંદ્ર નામના યુવક પર રાત્રિના સમયે સિંહોના એક ટોળાએ હુમલો કર્યો હતો અને તેને ફાડી ખાધો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા રાજુલા રેન્જ વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું અને ટેકનિકલ લોકેશન ટ્રેસ કરીને ઘટનાસ્થળની આસપાસથી બે પાઠડા અને બે પુખ્ત સિંહો સહિત કુલ 4 સિંહોને પાંજરે પૂર્યા હતા.
વન વિભાગે પકડેલા ચારેય સિંહોના મળ અને અન્ય જરૂરી સેમ્પલ લઈને તપાસ માટે સાસણ ગીર લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ રિપોર્ટના આધારે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, મૃતક યુવકના શરીરના અવશેષો આ સિંહોના સેમ્પલમાંથી મળી આવ્યા છે. આ વૈજ્ઞાનિક પુરાવા પરથી સાબિત થયું છે કે ચારેય સિંહો માનવભક્ષી બન્યા હતા.
વન્યજીવ નિયમો અનુસાર, જે વન્યજીવ માનવ લોહીનો સ્વાદ ચાખી લે છે, તેને ફરી ક્યારેય ખુલ્લા જંગલમાં કે માનવ વસાહતની આસપાસ મુક્ત કરી શકાતા નથી, કારણ કે તેનાથી સ્થાનિક લોકો પર ફરી હુમલો થવાનું જોખમ વધી જાય છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચારેય સિંહોને આજીવન સક્કરબાગ ઝૂના એનિમલ કેર સેન્ટરમાં જ બંધક રાખવામાં આવશે. જો ભવિષ્યમાં તેમના વર્તનમાં કોઈ સકારાત્મક સુધારો થાય અને વાઇલ્ડલાઇફ નિષ્ણાતો મંજૂરી આપે, તો જ તેમને કોઈ બંધિયાર સફારી કે નેશનલ પાર્કમાં મોકલવા પર વિચાર કરાશે. પરંતુ સામાન્ય કે ખુલ્લા જંગલમાં તેઓ ક્યારેય નહીં ફરી શકે.