પાયલ ગોટીને ન્યાય આપવા મુદ્દે અમરેલીમાં પરેશ ધાનાણીના ધરણા, નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત – Gujarat Post

02:23 PM Jan 09, 2025 | gujaratpost

અમરેલીઃ લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઇ છે. પાયલ ગોટીએ પોલીસ પર માર મારવાના આક્ષેપ કરતાં તપાસ માટે SITની રચના કરાઈ હતી. જોકે, સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક SP ઓફિસમાં સંજય ખરાતને મળ્યા હતા. પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેમ કહ્યું હતું. આજે અમરેલીમાં પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે. તેમની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ પણ જોડાયા છે. હાલ અમરેલી પોલિટિકલ રીતે એપિસેન્ટર બની ગયું છે.

પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. 7 જાન્યુઆરી, 2025ની રાત્રે SITની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી. ત્યાંથી તેને અમરેલી લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોલીસને રસ્તામાં રોકી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. પરેશ ધાનાણીને SITની મહિલા પોલીસ અધિકારી કહી રહી છે કે, પાયલ એકલી નથી, તેના ભાઈ-બહેન પણ છે. અમે તેને ડરાવી-ધમકાવીને નથી લાવ્યા. તેની મંજૂરીથી લાવ્યા છીએ. અમે માત્ર સિવિલ લઈ જતા હતા. તમે કહ્યું ગાડી ઉભી રાખો તો અમે રાખી દીધી. પ્રેમથી લાવ્યા છીએ. ત્યારે ધાનાણીએ SITના અધિકારીઓને કહ્યું, અત્યારે નહીં સવારે લઈ જજો. તો પાયલ ગોટીએ કહ્યું કે, અત્યારે અમને અમારા ઘરે મૂકી જાઓ.

ડિસેમ્બર 2024ના અંતમાં અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, અધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++