Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર બંધ થાય, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનર દેખાયું- Gujarat Post

09:52 PM Oct 05, 2024 | gujaratpost

(Photo: ANI)

International News: અમેરિકાના ન્યૂયોર્કમાં આકાશમાં એક વિશાળ બેનર જોઈને લોકો ચોંકી ઉઠ્યા. આ બેનરમાં લખવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા બંધ થવી જોઈએ. આ વિશાળ બેનર હડસન નદી અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યૂં ઓફ લિબર્ટી પર લહેરાતું જોવા મળ્યું હતું. આ બેનરો લહેરાવનારા લોકોમાં બાંગ્લાદેશ મૂળના હિન્દુ સમૂદાયના સિતાંશુ ગુહા પણ સામેલ છે. સિતાંશુએ કહ્યું કે આ બાંગ્લાદેશી હિન્દુઓની સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું છે.

આ વિશાળ બેનર વિમાનની પાછળ બાંધવામાં આવ્યું હતું, વિમાન ન્યૂયોર્ક ઉપર ઉડતાની સાથે જ હિંદુઓ પરના અત્યાચારનું વિશાળ બેનર આકાશમાં લહેરાતું જોવા મળ્યું હતું. યુએસ કોંગ્રેસના ઠરાવ મુજબ, 1971માં નરસંહારમાં 28 લાખ લોકો માર્યાં ગયા હતા અને આ સમયગાળા દરમિયાન હજારો મહિલાઓ પર બળાત્કાર થયો હતો, જેમાં મોટાભાગની હિંદુ મહિલાઓ હતી. ત્યારથી બાંગ્લાદેશમાં હિંદુ વસ્તી સતત ઘટી રહી છે અને 1971 માં બાંગ્લાદેશમાં હિંદુ વસ્તી 20 ટકા હતી, હવે તે ઘટીને 8.9 ટકા થઈ ગઈ છે. હવે બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન અને ત્યાં નવી સરકારની નિમણૂંક બાદ લઘુમતી હિંદુઓ સામે હિંસાની ઘટનાઓ વધી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશમાં લગભગ બે લાખ હિન્દુઓ હિંસા, લિંચિંગ, અપહરણ અને નોકરીમાંથી રાજીનામું આપવા જેવા શોષણનો સામનો કરી રહ્યાં છે. હાલમાં બાંગ્લાદેશમાં 1.3 કરોડથી 1.5 કરોડ હિંદુઓ રહે છે. 5 ઓગસ્ટ, 2024ના રોજ શેખ હસીનાની સરકારને સત્તા પરથી હટાવ્યાં બાદ હજારો હિંદુઓ પર હુમલા થયા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526