ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, ટ્રાયલનો માર્ગ મોકળો- Gujarat Post

07:18 PM Nov 18, 2025 | gujaratpost

અમદાવાદ: શહેરના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવ્યાં હતા. જુલાઈ 2023 માં 9 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ દુર્ઘટના બાદ, સુપ્રીમ કોર્ટના કડક આદેશને પગલે આ કાર્યવાહી અઢી વર્ષે શક્ય બની હતી

તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે આ કેસમાં ચાર્જફ્રેમ કરવામાં થઈ રહેલા વિલંબ બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને ગ્રામ્ય કોર્ટને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ ગ્રામ્ય કોર્ટમાં કાર્યવાહી ઝડપી બની હતી.

આજે તથ્ય પટેલ કોર્ટમાં હાજર થયો હતો. જજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ પર લાગેલા આરોપો વાંચી સંભળાવ્યાં હતા અને તેમની સહી લીધી હતી. ચાર્જફ્રેમ થવાથી હવે આ હાઈ-પ્રોફાઈલ કેસની ટ્રાયલ (કેસની સુનાવણી) શરૂ થવાનો માર્ગ મોકળો થયો છે. આગામી સમયમાં કોર્ટ દ્વારા કેસના સાક્ષીઓને તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

પોલીસે આ કેસમાં ઘટનાના માત્ર 7 દિવસમાં જ 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં 191 સાક્ષીઓ અને  FSL ના 15 રિપોર્ટ સહિત મજબૂત પુરાવા રજૂ કરાયા હતા. તથ્ય પટેલની સામે IPC ની કલમ 304 (ગેર-ઇરાદાપૂર્વક હત્યા) હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પર પુરાવાનો નાશ કરવા અને આરોપી (તથ્ય) ને ભગાડવામાં મદદ કરવા બદલ ચાર્જફ્રેમ કરાયા હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++