ACB એ અમદાવાદમાં 3 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશ, ESICના આસિ.ડાયરેકટરની ધરપકડ

07:33 PM Sep 09, 2024 | gujaratpost

અમદાવાદઃ ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવીને એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપી લીધા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચ કેસમાં ધરપકડ કરાઇ છે. એક વેપારીને  કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46,29,082 ની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. સમગ્ર મામલે તેઓ જરૂરી દસ્તાવેજો સાથે કમલકાંત મીણાને મળીને રજૂઆત કરવા ગયા હતા.

કમલકાંત મીણાએ આ કેસ પતાવવા માટે 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. રક્ઝકને અંતે 3 લાખ રૂપિયા નક્કિ કરાયા હતા અને નોટિસમાં માત્ર 2 લાખ રૂપિયા ભરવાનું નક્કિ કરાયું હતુ. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.

આજે અમદાવાદ આશ્રમ રોડ ખાતે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના પ્રથમ માળે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. કમલકાંત મીણા રૂપિયા 3 લાખની લાંચ સ્વીકારતા એસીબીની ઝપેટમાં આવી ગયા હતા. લાંચની રકમ રિકવર કરવામાં આવી છે.
 
એસીબી અમદાવાદના પીઆઈ શ્રીમતી એ. કે. ચૌહાણ અને તેમની ટીમે આ ટ્રેપ ગોઠવી હતી. પીઆઈ એન. બી. સોલંકી તેમની મદદમાં હતા. સુપરવિઝન અધિકારી તરીકે મદદનીશ નિયામક જી.વી.પઢેરીયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526