હવે તો હદ કરી નાખી...અમદાવાદમાં અસલી કોર્ટમાં નકલી કોર્ટ ઝડપાઇ, અનેક ચૂકાદા પણ આપી દીધા- Gujarat Post

09:49 AM Oct 22, 2024 | gujaratpost

Ahmedabad News: ગુજરાતમાં નકલીની બોલબાલા વધી ગઈ છે. નકલી પીએમઓ, સીએમઓના અધિકારી, આઇપીએસ, ટોલનાકું ઝડપાયા બાદ હવે અમદાવાદમાંથી નકલી કોર્ટ મળી છે. નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનની સામે સિટી સિવિલ કોર્ટના જજ જે.એલ. ચોવટીયાએ રજિસ્ટ્રારને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો. જેને આધારે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કોર્ટે નકલી કોર્ટમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર, સીપીયુ સહિતની વસ્તુઓ જપ્ત કરવા આદેશ આપ્યો છે.

આરોપી એડવોકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બૉગસ આર્બિટ્રેશન ઉભુ કરીને બાકાયદા કોર્ટ, જજ, વકીલ, ક્લાર્ક, બેલીફ રાખી પાલડી ખાતેની સરકારી જમીનનો હુકમ પણ કરી નાંખ્યો હતો. આમ આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન જાતે જ જજ બની ગયો હતો. કોર્ટ પણ ઉભી કરી અને જમીનનો ચૂકાદો પણ આપ્યો હતો. પાલડીમાં આવેલ રેવન્યુ સર્વે નં 306ની ટીપી 6ના ફાઇનલ પ્લોટ 32ની સરકારી જમીન હોવા છતા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયનએ ઠાકોર બાબુજી છનાજીને ઉભા કર્યાં હતા અને આર્બીટેશનમાં તે મિલકત તેમની હોવાનો એવોર્ડ કર્યો હતો. તે એવોર્ડનું પાલન કરાવવા માટે બાબુજી ઠાકોરે દીવાની દરખાસ્ત સેશન્સ કોર્ટમાં દાખલ કરી હતી.

જેમાં સામેવાળા પક્ષકાર તરીકે કલેક્ટરને દર્શાવવામાં આવ્યાં હતા. જેથી સરકાર તરફે એડવોકેટ હરેશ શાહ અને વિજય બી. શેઠ હાજર રહ્યાં હતાં. તેમણે મિલકત અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ મામલે લવાદની નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ લવાદની નિમણૂંક બન્ને પક્ષની સમંતીથી નિમવી પડે. આ કેસમાં સરકારે કોઈ જ સમંતિ આપી ન હતી. ઉપરાંત સરકાર ક્યારેય લવાદ નિમતી જ નથી. જેથી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્વિયને ખોટા આદેશ કરી જાતે જ લવાદ નિમ્યા હોવાનો ખુલાસો થયો હતો અને પછી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++