અમદાવાદમાં IT વિભાગનું મોટું ઓપરેશન: મયૂર ડાયકેમ ગ્રુપ અને તેની સાથે જોડાયેલા 20 સ્થળોએ દરોડા

09:59 PM Mar 20, 2026 | gujaratpost

અમદાવાદઃ શહેરમાં ઇનકમ ટેક્સ વિભાગ વહેલી સવારથી એક્શન મોડમાં છે. જાણીતા કેમિકલ ગ્રુપ મયૂર ડાયકેમ પર આયકર વિભાગે ત્રાટકીને મોટા પાયે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મયૂર પટેલની માલિકીનું મયૂર ડાયકેમ ગ્રુપ અને તેમના વ્યવસાયિક ભાગીદારો, વટવા GIDC સ્થિત ઓફિસ અને ફેક્ટરી તેમજ સોલા વિસ્તારમાં આવેલા ભાગીદારોના નિવાસ સ્થાનો સહિત કુલ 20 સ્થળોએ એક સાથે ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલી ટેક્સ ચોરીની શંકાને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો સામે આવ્યાં છે. આટલા મોટા પાયે ચાલી રહેલા મેગા ઓપરેશનને પગલે અમદાવાદના ઉદ્યોગ જગતમાં, ખાસ કરીને કેમિકલ સેક્ટરના ઉદ્યોગપતિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તપાસને અંતે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવી શકે છે.