ઇરાનનો હુંકાર: ખામેનેઈના મોતનો બદલો લઈશું, IRGCએ અમેરિકા- ઈઝરાયેલના સૈન્ય મથકો પર વધુ હુમલાની ચેતવણી આપી

10:33 AM Mar 01, 2026 | gujaratpost

પરિવારના સભ્યો અને ટોચના કમાન્ડરોનાં પણ મોત

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર બાદ પશ્ચિમ એશિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અમેરિકા અને ઈઝરાયેલ પર ભયાનક હુમલાની ચેતવણી આપતા સ્પષ્ટ કર્યું છે કે તેઓ ખમેનેઈના મોત બાદ શાંત બેસશે નહીં. IRGC એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ગમે તે ક્ષણે વિનાશક જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ IRGCએ જાહેરાત કરી છે કે તેઓ ઈસ્લામિક ગણતંત્રના ઈતિહાસનું સૌથી તીવ્ર અને વિનાશક સૈન્ય અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય લક્ષ્યાંક મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય મથકો અને અન્ય મહત્વના ઠેકાણાઓ હશે.

ઈરાનની ફાર્સ સમાચાર એજન્સીના જણાવ્યાં મુજબ, IRGC એ કહ્યું છે કે આ ઓપરેશન ગણતરીની ક્ષણોમાં શરૂ થશે. નિવેદનમાં વધુમાં ઉમેર્યું છે કે, અમે એક મહાન નેતા ગુમાવ્યાં છે અને અમે તેનો શોક મનાવીએ છીએ, પરંતુ અમે ઘરેલું અને વિદેશી કાવતરાઓનો મક્કમતાથી સામનો કરીશું.

અહેવાલો મુજબ આ હુમલો અત્યંત ઘાતક હતો જેમાં માત્ર ખામેનેઈ જ નહીં, પરંતુ ઈરાનનું અન્ય નેતૃત્વ પણ હોમાયું છે. IRGCના કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપુર અને ખામેનેઈના સલાહકાર અલી શમખાનીના પણ તેહરાન પર થયેલા હવાઈ હુમલામાં મોત થયા હોવાના રિપોર્ટ્સ છે.

 ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અલી ખામેનેઈની પુત્રી, પૌત્ર, પુત્રવધૂ અને જમાઈ પણ આ ઈઝરાયેલ-અમેરિકન હુમલામાં માર્યા ગયા છે. આ ઘટના બાદ સમગ્ર વિશ્વની નજર હવે ઈરાનના આગામી કદમ પર છે.