ગાંધીનગર: ગુજરાતમાં પોલીસ વિભાગને લઇને નવા સમાચાર સામે આવ્યાં છે. છેલ્લા 6 મહિનાથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા 6 IPS અધિકારીઓને રાજ્યના પોલીસ મહાનિદેશકની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી વિવિધ વિભાગોમાં 'એટેચ' (જોડાણ) તરીકે ફરજ બજાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ નિમણૂંકોને પગલે વહીવટી કામકાજમાં ગતિ આવવાની અપેક્ષા છે.
લાંબા સમયથી વેઈટિંગમાં રહેલા અધિકારીઓમાં તરુણ દુગ્ગલ, ચૈતન્ય માંડલિક, સરોજ કુમારી, આર.વી.ચૂડાસમા, આર. પી. બારોટ, જી.એ.પંડ્યા, રાજન સુસરા, સુધા પાંડે તથા સુજાતા મજમુદાર જેવા નામો સામેલ હતા.જેમાંથી 6 અધિકારીઓને હાલમાં પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.
તરુણ દુગ્ગલ અગાઉ મહેસાણામાં સાયબર ક્રાઈમ અને અમદાવાદમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના કેસમાં ઝડપી કાર્યવાહી માટે ચર્ચામાં હતા. તેમને ફરી સક્રિય જવાબદારી સોંપાઇ છે.
આ સમગ્ર નિમણૂંક પ્રક્રિયા વચ્ચે રાજ્યના સૌથી સિનિયર IPS અધિકારી શમશેર સિંહનું નામ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. 1991 બેચના સિનિયર અધિકારી શમશેર સિંહ એસીબીમાંથી ડેપ્યુટેશન પર ગયા હતા, પરંતુ 7 જાન્યુઆરીએ પરત ફર્યા બાદ તેમને હજુ સુધી કોઈ સત્તાવાર ઓફિસ કે પોસ્ટિંગ અપાયું નથી. શમશેર સિંહ આગામી 31 માર્ચના રોજ વયનિવૃત્ત થઈ રહ્યાં છે. હવે તેમની નિવૃત્તિને ગણતરીના 34 દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે સવાલ એ ઊભો થયો છે કે શું તેઓ 'વેઈટિંગ ફોર પોસ્ટિંગ' માં જ નિવૃત્ત થશે ?
રાજ્યમાં 10 DIG અને 1 SP કક્ષાના અધિકારીઓ ઓગસ્ટ મહિનાથી પોસ્ટિંગ વગરના હતા. ખાલી જગ્યાઓને કારણે વહીવટી કામગીરી પર માઠી અસર પડી રહી હતી. હવે આ નવા આદેશોથી પોલીસ મહાનિદેશક કચેરી અને અન્ય શાખાઓમાં પેન્ડિંગ રહેલા કામોનો ઝડપથી નિકાલ આવશે તેમ માનવામાં આવે છે.