સુરતઃ શનિવારે રાત્રે સુરત એરપોર્ટ પર એક મોટી દાણચોરીનો પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના જવાનોએ બે દાણચોરો પાસેથી લગભગ 28 કિલો સોનાની પેસ્ટ (જેમાં લગભગ 23 કિલો શુદ્ધ સોનું હતું) જપ્ત કરી. આ કાર્યવાહી 20 જુલાઈના રોજ રાત્રે 10 વાગ્યે કરવામાં આવી હતી, જ્યારે દુબઈથી એર ઈન્ડિયાની ફ્લાઇટ IX-174 સુરત આવી હતી.
આંતરરાષ્ટ્રીય આગમન વિસ્તારમાં ફરજ પરની CISF વિજિલન્સ ટીમે બે મુસાફરોના વર્તનમાં અસામાન્યતા જોઈ. બંને મુસાફરો શંકાસ્પદ લાગતા તેમને તાત્કાલિક અટકાયતમાં લેવામાં આવ્યાં હતા અને તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ માટે કસ્ટમ અધિકારીઓને બોલાવવામાં આવ્યાં અને બંનેની સઘન તપાસ હાથ ધરવામાં આવી.
જેમાં સોનાની પેસ્ટ શરીરના વિવિધ ભાગોમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવવામાં આવી હતી. જપ્ત કરાયેલી સોનાની પેસ્ટનો કુલ જથ્થો 28 કિલો હતો, જેમાં લગભગ 23 કિલો સોનું મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને બંને દાણચોરોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ દાણચોરી પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે નહીં.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/