રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકાઓમાં વરસાદ, નવસારી અને પલસાણામાં 4 ઈંચથી વધુ વરસાદ- Gujarat Post

06:24 PM Jun 29, 2024 | gujaratpost

અમદાવાદમાં પણ શુક્રવારે સાંજે વરસાદ પડ્યો

રાજ્યમાં ચોમાસું જમાવટ કરી રહ્યું છે

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા 24 કલાકના જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યના કુલ 159 તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો. નવસારી અને પલસાણામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

નવસારી તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ અને સુરતના પલસાણામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય  નવસારીના જલાલપોરમાં પોણા ચાર ઈંચ, ખેરગામમાં ત્રણ ઈંચ, વલોડ અને બોટાદમાં અઢી ઈંચ, ગણદેવી, વાપી અને બારડોલીમાં સવા બે ઈંચ, ચિખલી, વ્યારા અને મહુવામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો, ઓલપાડ, કામરેજ, ધરમપુર, સુત્રાપાડા, બાવળા, રાજુલા, પારડીમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગારીયાધાર, સુરત શહેર, ડોલવણ, રાપરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી છે. તો 30 જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની  આગાહી કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526