સુરતઃ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી છે. હાલમાં પાસા (PASA) હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલ સામે વધુ એક ગંભીર ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેના વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
કીર્તિ પટેલ પર અગાઉથી જ ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અનેક આરોપો છે, અને આ નવી ફરિયાદમાં ધમકી અને બદનામ કરવાની વાત છે.
વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ, સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી. અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યાં હતા. ડોંડાએ લાઇવ દરમિયાન કીર્તિ પટેલ વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરી ન હતી, તેઓ માત્ર સાંભળી રહ્યાં હતા.
આ બાબતની જાણ થતાં જ કીર્તિ પટેલે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડોંડાની આઈડી પર કોલ કર્યો હતો. કોલમાં કીર્તિ પટેલે ડોંડાને ગાળો આપીને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. કીર્તિ પટેલે ડોંડાને સવાલ કર્યો હતો કે, તેં લાઇવ દરમિયાન મારી વિશે એલફેલ કેમ સાંભળી લીધું, કેમ કંઈ બોલ્યો નહીં ? આટલું જ નહીં, કીર્તિ પટેલે અલ્પેશ ડોંડાની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકી આપી હતી.
ધમકી આપવાની સાથે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અલ્પેશ ડોંડા અને તેની પત્ની વિશે અપશબ્દો સાથેની પોસ્ટ વાઇરલ કરી હતી અને મેસેજ પણ કર્યા હતા, જેથી તેમને બદનામ કરી શકાય.
અપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ વાઇરલ કરવા બાબતે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કીર્તિ પટેલ પર અગાઉ મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે.