આ સિરપ ખતરનાક છે.. સુરેન્દ્રનગર અને અમદાવાદની ફાર્મા કંપનીને સિરપ પાછી ખેંચવા ગુજરાત સરકારનો આદેશ

08:43 PM Oct 07, 2025 | gujaratpost

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, તાજેતરમાં જ બાળકો માટે ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (Not of Standard Quality - NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી કંપનીઓમાં સઘન તપાસ કરીને પગલાં લેવામાં આવી રહ્યાં છે.  ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપનીઓ છે.  

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ નોટ ઑફ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા અહી તપાસ કરવામાં આવી હતી. 

તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓને આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ. સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યાં છે અને દવાનો જથ્થો તાત્કાલિક બજારમાંથી પાછો ખેંચવા કહેવાયું છે. 

આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના 3 દવાઓ તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના 11 નમૂના લેવામાં આવ્યાં હતા. આ તમામ 14 નમૂના વધુ ચકાસણી અર્થે સરકારી લેબમાં મોકલી આપવામાં આવ્યાં છે. જે રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++