મૈથાલી ઠાકુર બની શકે છે મંત્રી
ભાજપની જીતનો સ્ટ્રાઇક રેટ સૌથી વધુ
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ આ વખતે તમામ પ્રકારની રાજકીય ચર્ચાઓને ઉલટાવી દીધી છે. મતગણતરીમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ને 243 વિધાનસભા બેઠકોમાંથી 200થી વધુ બેઠકો મળતી દેખાઈ રહી છે. NDAની આ બમ્પર જીતે બિહારના સત્તાના કોરિડોરમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ચૂંટણીની ખાસ વાત એ રહી છે કે ભાજપનો જીતનો સ્ટ્રાઇક રેટ સૌથી વધુ રહ્યો છે. 101 બેઠકો પર ચૂંટણી લડનાર ભાજપ 91 બેઠકો અને તેના સહયોગી અને જનતા દળ યુનાઇટેડ 83 બેઠકો જીતી રહ્યાં છે.
ભાજપ હવે સિનિયર પાર્ટનર
બિહાર ચૂંટણીમાં આ વખતે ભગવા રંગની જબરદસ્ત ધાક જોવા મળી છે, જેણે ભાજપને ગઠબંધનમાં સિનિયર પાર્ટનર બનાવી દીધું છે. અત્યાર સુધીના વલણોમાં ભાજપ તેના ગઠબંધન સહયોગી પક્ષોમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સાબિત થઈ રહ્યું છે. ભાજપ અને જેડીયુએ 101-101 બેઠકોની બરાબરી પર ચૂંટણી લડી હતી, જ્યારે તેના સહયોગી લોક જનશક્તિ પાર્ટી (LJP)ને વહેંચણીમાં 28 બેઠકો આપવામાં આવી હતી. વળી, બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીની પાર્ટી હમને 6 બેઠકો મળી હતી. અત્યાર સુધીના વલણો અનુસાર ભાજપ 91, જેડીયુ 83, એલજેપી 18 અને હમ 5 બેઠકો પર આગળ છે. ગઠબંધનના સહયોગી પક્ષોએ પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.
ભગવાની લહેર ભવિષ્યમાં બિહારના ગઠબંધનનું સમીકરણ બદલી શકે છે
આ વખતની ચૂંટણીમાં જે રીતે ભગવા લહેર જોવા મળી છે, તે માત્ર NDAની ઐતિહાસિક જીતનું પ્રતિક નથી બની, પણ તેણે ભાજપને ગઠબંધનમાં સિનિયર પાર્ટનરની ખુરશી પર બેસાડ્યો છે. એવામાં હવે માનવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી નીતીશ કુમારની જેડીયુ પર નિર્ભરતાનો બોજ વહન કરી રહેલો ભાજપ હવે મજબૂત સ્થિતિમાં છે, જે ભવિષ્યના ગઠબંધનના સ્વરૂપને બદલી શકે છે. આ જીત ભાજપ માટે એક નવો બ્લુ પ્રિન્ટ રચી રહી છે. હવે ગઠબંધનમાં સત્તા વહેંચણીની ચર્ચા તેજ થઈ શકે છે. ભાજપ ગઠબંધનની સૌથી મોટી પાર્ટી હોવાને નાતે મુખ્યમંત્રી પદ પર પોતાનો દાવો મજબૂત કરી શકે છે. બિહારમાં નવા નેતૃત્વ તરીકે તે સમ્રાટ ચૌધરી કે નિશિકાંત દુબે જેવા નેતાઓને આગળ લાવી શકે છે.
ચૂંટણીઓમાં દેખાઈ ભાજપની નવી બ્લુ પ્રિન્ટ
ચૂંટણી રણનીતિમાં માહેર ભાજપની બિહારમાં પણ બિલકુલ નવી બ્લુ પ્રિન્ટ સ્પષ્ટ દેખાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારની જોડીએ અલગ-અલગ વિસ્તારોમાં જબરદસ્ત ચૂંટણી અભિયાન ચલાવ્યું, જેનાથી મતદાર આધાર મજબૂત થયો. ભાજપના પર્ફોર્મન્સનો અંદાજ તમે તેનાથી લગાવી શકો છો કે યાદવ બહુલ, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના વિસ્તારોમાં પણ ભાજપે ચારે તરફ ભગવો લહેરાવ્યો. મિથિલાંચલ જેવા પ્રદેશોમાં મૈથિલી ઠાકુર જેવા ઉમેદવારોની જીતે પાર્ટીને નવી ઊંચાઈઓ આપી. સાથે જ આ જીતે બિહારમાં મહિલા સશક્તિકરણના નારાને પણ મજબૂતી આપી.
NDAની જીતના મુખ્ય પરિબળો
NDAની આ બમ્પર જીત પાછળ ઘણા પરિબળો છે. તેમાં પહેલું, વિકાસ અને પારદર્શિતાનો એજન્ડા રહ્યો. ભાજપે કેન્દ્રીય યોજનાઓ- જેમ કે પીએમ આવાસ, ઉજ્જવલા અને કિસાન સન્માન નિધિનો જોરશોરથી પ્રચાર કર્યો. બીજું તેની સંગઠનાત્મક મજબૂતી રહી, જેણે એક-એક બેઠક પર જબરદસ્ત રણનીતિ બનાવી. પાર્ટીએ ગ્રામીણ સ્તર પર બૂથ મેનેજમેન્ટને મજબૂત કર્યું, જેનાથી 2010 પછી NDA આવી મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. વળી, NDAની આ મોટી જીતનું ત્રીજું કારણ વિપક્ષની નબળાઈઓ પણ રહી. આરજેડી પર પરિવારવાદનો આરોપ અને કોંગ્રેસની સંગઠનહીનતાએ મહાગઠબંધનને નબળું પાડ્યું. એક્ઝિટ પોલ પણ NDAને 200+ બેઠકો આપી ચૂક્યા હતા, જે હવે હકીકત બની રહ્યું છે.
મૈથિલી ઠાકુર બની શકે છે મંત્રી કે ડેપ્યુટી સીએમ
બિહારના અલીનગરથી લોકગાયિકા મૈથિલી ઠાકુરને ચૂંટણી લડાવનાર ભાજપ તેના મહિલા સશક્તિકરણના દાવાને વધુ મજબૂત કરવા માટે તેમને પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય અથવા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની કમાન આપી શકે છે. મૈથિલી ઠાકુર પોતાની બેઠક પર આગળ ચાલી રહ્યાં છે. સૂત્રો એવું પણ જણાવે છે કે નીતીશ કુમારના સીએમ બનવાની સ્થિતિમાં ભાજપ ગઠબંધન સરકારમાં મૈથિલી ઠાકુરને ડેપ્યુટી સીએમ સુધી પણ બનાવી શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++