સાળાના સાઉન્ડપ્રૂફ બેઝમેન્ટમાં ગોળી મારીને કરી આત્મહત્યા
સ્યૂસાઇડ નોટમાં વર્તમાન-નિવૃત્ત IPS અધિકારીઓનાં નામોનો ઉલ્લેખ
ચંડીગઢ: હરિયાણા પોલીસના એડીજીપી (ADGP) વાય.પુરન કુમારે માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જેને લઈ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પ્રારંભિક તપાસમાં આ ઘટનાને આત્મહત્યા તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ ઘટના સ્થળેથી મળેલી 9 પાનાની સ્યૂસાઇડ નોટ અને તેમાં કેટલાક વર્તમાન તેમજ નિવૃત્ત અધિકારીઓનાં નામોનો ઉલ્લેખ હોવાથી કેસ વધુ રહસ્યમય બન્યો છે.
ચંડીગઢના સેક્ટર-11માં તેમના સાળાના ઘરના સાઉન્ડપ્રૂફ બેઝમેન્ટમાં પુરન કુમારનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેમણે પોતાના ગનમેનની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી છે.
ઘટના સમયે તેમના પત્ની, જે IAS અધિકારી અમનીત પી. કુમાર છે, તે જાપાનના પ્રવાસે હતા અને તેમની નાની પુત્રી તેમની સાથે હાજર હતી. બપોરે લગભગ બે વાગ્યે પુત્રીએ બેઝમેન્ટમાં જઈને પિતાને લોહીથી લથપથ જોયા અને તરત જ સિક્યોરિટીને જાણ કરી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, પુરન કુમારે તેમના પીએસઓ (PSO) પાસેથી થોડું કામ છે કહીને રિવોલ્વર લીધી હતી. બેઝમેન્ટ સાઉન્ડપ્રૂફ હોવાથી ગોળીનો અવાજ કોઈને સંભળાયો ન હતો.
પોલીસને ઘટના સ્થળેથી રિવોલ્વર, એક વસિયત અને 9 પાનાની નોટ મળી છે. આ નોટમાં કેટલાક વર્તમાન અને નિવૃત્ત IPS અધિકારીઓના નામોનો ઉલ્લેખ છે. જો કે, તેની વિગતોને ફોરેન્સિક તપાસ બાદ જાહેર કરવામાં આવશે. ઘટના સ્થળે IG પુષ્પેન્દ્ર સિંહ, SSP કૌર અને SP સિટી પ્રિયંકા સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યાં હતા અને ફોરેન્સિક ટીમે પુરાવા ભેગા કર્યા હતા.
આંધ્ર પ્રદેશના વતની અને 2001 બેચના હરિયાણા કેડરના IPS અધિકારી પુરન કુમારે IIM અમદાવાદમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓ એક પ્રામાણિક અધિકારી હતા.તેમણે ભૂતકાળમાં તત્કાલીન DGP મનોજ યાદવ સામે ભેદભાવના આરોપ લગાવ્યાં હતા અને તેઓ કોર્ટમાં ગયા હતા. તાજેતરમાં જ તેમને IG રોહતક રેન્જમાંથી ટ્રાન્સફર કરીને સુનારિયા પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યાં હતા.
આ બનાવ પહેલાં સોમવારે રોહતકના SP નરેન્દ્ર બિજારનિયાએ દારૂના ધંધાર્થી પાસેથી લાંચ માંગવાના કેસમાં હેડ કોન્સ્ટેબલ સુશીલ કુમારને પકડ્યો હતો, જે અગાઉ પુરન કુમાર સાથે કામ કરતો હતો. સુશીલે પુરન કુમારના નામે દર મહિને 2.5 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનું કબૂલ્યું હતું. પોલીસ સ્યૂસાઇડ નોટની તપાસ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/