ગાંધીનગરઃ ગુજરાત સરકારના અધિકારીઓ તથા સીએમઓને મળેલા એક ઇ-મેઇલમાં મુખ્યમંત્રી કાર્યાલય, અન્ય સરકારી કચેરીઓ તથા કલેક્ટર ઓફિસને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ અજાણી વ્યક્તિ વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ઇ-મેઇલમાં પાઠવાયેલી વિગતો મુજબ કેટલાક રાજકારણીઓએ તામિલનાડુ સરકારને સલાહ આપી હતી કે રાજ્યના કેટલાક સમાચાર માધ્યમોને નબળા પાડીને કેટલીક રાજકીય સિદ્ધિઓ મેળવી શકાય છે. આ માટે તેમણે કેટલીક એજન્સીઓ અને વચેટીયાઓને નિયુક્ત કરીને કેટલાક પત્રકારોને નોકરીએ રાખવા માટે જણાવાયુ હતુ. જો કે, આ ઇરાદો પાર ન પડતા તેનો બદલો લેવા માટે થઇને આ કૃત્ય કરાયું હોવાની શક્યતા છે.ઉપરાંત ઇ-મેઇલમાં અનાથાલયની બાળકીઓનું યૌનશોષણ કરવામાં આવતું હોવાની પણ વાત રજૂ કરવામાં આવી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ ઇ-મેઇલ ડર અને ભ્રમ ઉભો કરવા માટે મોકલવામાં આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે. તમિલ ભાષામાં લખાયેલા ઇ- મેઇલમાં એમ પણ જણાવાયુ છે કે, પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયા બાદ 97 મિનિટ પછી ગુજરાતનુ મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય કચેરીઓ પણ ધડાકાથી ધણધણી ઉઠશે, જેથી આ તમામ કચેરીઓ ખાલી કરાવી દેવી જોઇએ.
આ જ પ્રકારનો ઇ-મેઇલ ભળતા સળતા આઇડી ઉપરથી થોડા મહિના અગાઉ પણ મળ્યો હતો અને તેમાં પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં જ દેશી બનાવટના વિસ્ફોકટોથી બ્લાસ્ટ કરવાની ધમકી મુખ્ય સચિવને મળી હતી. તે અનુસંધાને પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/