બંનેના મૃતદેહો લોહીલુહાણ હાલતમાં મળ્યાં
પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી
નવી દિલ્હીઃ દક્ષિણ દિલ્હીના લાજપત નગરમાં મોડી રાત્રે એક માતા-પુત્રની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. 42 વર્ષીય માતાનો મૃતદેહ બેડરૂમમાંથી અને 14 વર્ષના પુત્રનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘરનો દરવાજો બહારથી બંધ હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દરવાજો તોડ્યો અને બંને મૃતદેહોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતા.
પોલીસના જણાવ્યાં અનુસાર, નોકરે તેને ઠપકો આપવા બદલ મકાન માલિક અને તેના 14 વર્ષના પુત્રની હત્યા કરી હતી. બુધવારે, 2 જુલાઈએ રાત્રે હત્યા કર્યા પછી તે ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસે આજે સવારે તેને ઝડપી પાડ્યો હતો.
આરોપી મુકેશ બિહારનો રહેવાસી છે. મોડી રાત્રે મકાન માલિક ઓફિસથી પાછા ફર્યા ત્યારે દરવાજો ન ખુલતા પોલીસને જાણ કરવામાં આવી હતી. દરવાજો તોડવા પર પોલીસને બે મૃતદેહો લોહીલુહાણ હાલતમાં મળ્યાં હતા. રુચિકાનો મૃતદેહ બેડરૂમમાં અને 14 વર્ષીય પુત્ર હર્ષનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો હતો. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.