+

સુરતમાં સામૂહિક આપઘાતથી પરિવાર વિખેરાયો, લોનના હપ્તા ન ભરી શકતા પરિવારનો આપઘાત- Gujarat Post

સુરતમાં હીરાના મંદીએ વધુ એક પરિવારનો ભોગ લીધો સુરતઃ શહેરની ઓળખ ડાયમંડ નગરી તરીકેની છે. પરંતુ છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળ છવાયેલા છે. જેના કારણે અનેક પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે.

સુરતમાં હીરાના મંદીએ વધુ એક પરિવારનો ભોગ લીધો

સુરતઃ શહેરની ઓળખ ડાયમંડ નગરી તરીકેની છે. પરંતુ છેલ્લા થોડા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના વાદળ છવાયેલા છે. જેના કારણે અનેક પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે. આ મંદીમાં લોકો લોનના હપ્તા પણ ભરી શકતા નથી. સુરતમાં એક રત્ન કલાકારના પરિવારે લોનના હપ્તા ન ભરી શકતાં સામૂહિક આપઘાત કરી લીધો છે.

અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ત્રણેયને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. 50 વર્ષીય ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પત્ની વનિતાબેન હાઉસ વાઇફ હતાં. 30 વર્ષીય પુત્ર હર્ષ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં મંદીના કારણે તેની નોકરી છૂટી ગઈ હતી.

હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેનાં કામ બંધ થઈ ગયા હતા. ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા.પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા તેની લોન ચાલતી હતી, છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તા ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકડામણમાં આખો પરિવાર પીસાઇ રહ્યો હતો.

મૃતકના ઘરમાંથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતાં સગાંસંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter