+

દિલ્હી બ્લાસ્ટ: પુલવામામાંથી ઉમરના મિત્ર ડો. સજ્જાદની ધરપકડ, બે મૃતદેહોની ઓળખ થઈ

સમગ્ર તપાસ એનઆઈએને સોંપવામાં આવી નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ઘટનાના 20 કલાક પછી NIAને સોંપી હતી. કાર બોમ્બ વિસ્ફોટ 10 નવેમ્બરના રોજ સાંજે 6:55 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો

સમગ્ર તપાસ એનઆઈએને સોંપવામાં આવી

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ઘટનાના 20 કલાક પછી NIAને સોંપી હતી. કાર બોમ્બ વિસ્ફોટ 10 નવેમ્બરના રોજ સાંજે 6:55 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયો હતો. વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે, જેમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. 20 ઘાયલોની સારવાર ચાલી રહી છે. બે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. બાકીના મૃતદેહોની ઓળખ DNA ટેસ્ટિંગ બાદ કરવામાં આવશે.

મંગળવારે વિસ્ફોટમાં વપરાયેલી સફેદ i20 કારના CCTV ફૂટેજ સામે આવ્યાં હતા. મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાંથી બહાર નીકળતી વખતે કારમાં કાળો માસ્ક પહેરેલો એક માણસ બેઠો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં બેઠેલા વ્યક્તિની ઓળખ પુલવામાના રહેવાસી ડૉ. મોહમ્મદ ઉમર નબી તરીકે થઈ છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે ઉમરે વિસ્ફોટકોથી પોતાને ઉડાવી દીધો હતો.

જમ્મુ-કાશ્મીર પોલીસે પુલવામામાં તેના મિત્ર ડૉ. સજ્જાદની ધરપકડ કરી છે. કાશ્મીર પોલીસે પુલવામામાં તેની માતા અને બે ભાઈઓની ડીએનએ પરીક્ષણ માટે અટકાયત કરી છે, હવે તેના પિતાને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે. પોલીસે અલ ફલાહ યુનિવર્સિટીની લેબમાંથી ત્રણ કર્મચારીઓની પણ પૂછપરછ માટે અટકાયત કરી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ, બળતણ અને ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને છરા કે કાંટાના ઘા ન હતા, જે બોમ્બ વિસ્ફોટોમાં સામાન્ય હોય છે. લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં બિહારના સમસ્તીપુરના રહેવાસી 22 વર્ષીય કેબ ડ્રાઈવર પંકજ સાહનીનું મોત થયું હતું. પંકજ એક સંબંધીને તેની કેબમાં મૂકવા જઈ રહ્યો હતો ત્યારે વિસ્ફોટમાં તેનું મોત થયું. તે ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હસનપુર ફતેહપુરના વોર્ડ નંબર 7 ના રહેવાસી રામ બાલક સાહનીનો પુત્ર હતો. તેણે ગઈકાલે સાંજે 4.30 વાગ્યે છેલ્લે તેના દાદા સાથે વાત કરી હતી.

facebook twitter