નવી દિલ્હીઃ બુધવારે સવારે ચક્રવાત મોન્થા ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ત્રાટક્યું હતું. મંગળવારે રાત્રે આ વાવાઝોડું આંધ્રપ્રદેશ-યાનમ કિનારાને પાર કરીને કાકીનાડાની દક્ષિણ તરફ આગળ વધ્યું હતું. ગંજમ કિનારા પર હાલમાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે અને 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
ઓડિશામાં અસર અને રાહત કામગીરી
ચક્રવાતને કારણે ઓડિશાના દક્ષિણના આઠ જિલ્લાઓ પ્રભાવિત થયા છે:
- ગંજમ
- ગજપતિ
- રાયગડા
- કોરાપુટ
- મલકાનગિરી
- કંધમાલ
- કાલાહાંડી
- નબરંગપુર
સરકારના જણાવ્યાં અનુસાર, અત્યાર સુધીમાં 11,000 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે અને અન્ય 30,000 વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. બચાવ અને રાહત કામગીરી માટે 30 ODRF ટીમો (ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ) અને પાંચ NDRF ટીમો (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) તૈનાત કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં વિનાશ જેવી સ્થિતી
રાત્રે, આ ચક્રવાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારા પર ત્રાટક્યું હતું. મંગળવારે સાંજે 7.30 વાગ્યાથી લગભગ 1 વાગ્યા સુધી, આ લેન્ડફોલ લગભગ 5 કલાક સુધી ચાલ્યું હતું. આ સમયગાળા દરમિયાન, પવનની ગતિ 90-100 કિમી પ્રતિ કલાકની હતી, જે 110 કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપે પહોંચી હતી.
મોન્થાની તીવ્રતા ઘટવાની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી છ કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડામાંથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને તેની તીવ્રતા ઘટશે. હાલમાં મોન્થા લગભગ 300 કિ.મીના વિસ્તારને આવરી લે છે.