તોડીને નવો બનાવવો કે મજબૂત કરવો? 2-3 દિવસમાં નિર્ણયની શક્યતા
અમદાવાદ: શહેરમાં ટ્રાફિકની ધમધમતી લાઈફલાઈન સમાન સુભાષબ્રિજ પર મોટી તિરાડ પડવા અને સ્પાનનો ભાગ બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે. તિરાડ એટલી મોટી છે કે બ્રિજ પરથી નીચે સાબરમતી નદીનું પાણી દેખાઈ રહ્યું છે. આ ગંભીર ક્ષતિના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની સઘન અને લાંબા ગાળાની તપાસ હાથ ધરવામાં આવી છે.
AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને કન્સલ્ટન્ટ દ્વારા હાથ ધરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું છે કે, બ્રિજના સ્પાનની અંદર રહેલા પ્રિ-સ્ટ્રેસ વાયરને નુકસાન થયું હોવાના કારણે સ્પાનનો ભાગ બેસી ગયો છે. હાલમાં બ્રિજના માત્ર એક સ્પાનમાં આ સ્થિતિ સર્જાઈ હોવા છતાં, તકેદારીના ભાગરૂપે બ્રિજના તમામ છ સ્પાનની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે અગાઉ પાંચ દિવસ માટે બંધ કરાયેલો આ બ્રિજ હવે લાંબો સમય સુધી બંધ રહે તેવી સંભાવના છે, જેથી નાગરિકોને અન્ય રૂટનો ઉપયોગ કરવો પડશે.
AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, તિરાડવાળા સ્પાન અને સમગ્ર બ્રિજના ભવિષ્ય અંગે નિર્ણય લેવા માટે ત્રણ જેટલા બ્રિજ કન્સલ્ટન્ટ્સ તેમજ રાજ્ય સરકારના બિલ્ડિંગ વિભાગ સાથે બેઠકો અને ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.
વિભાગ પાસે હાલમાં બે વિકલ્પો છે- આખો બ્રિજ તોડીને નવો બનાવવો અને વર્તમાન બ્રિજ પર સ્પાનને મજબૂત કરી રિપેરિંગ કરવું છે. કન્સલ્ટન્ટ્સ પાસેથી અલગ-અલગ પ્રકારના સોલ્યુશન્સ મેળવવામાં આવી રહ્યું છે. આખરી નિર્ણય આગામી બેથી ત્રણ દિવસમાં લેવામાં આવશે.
સુભાષબ્રિજનો ભાગ બેસી જવા પાછળનું એક મુખ્ય કારણ બ્રિજ પર વધારે પડતો લોડ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લોડ વધતા બ્રિજના પિલ્લર પર તિરાડ પડી છે, જેના કારણે બ્રિજનો આગળનો ભાગ બેસી ગયો છે.
AMC દ્વારા 5 ડિસેમ્બર) બપોર બાદ બ્રિજ પર તપાસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. તિરાડની લંબાઈ અને પહોળાઈ માપવામાં આવી છે અને કયા ભાગમાં કેટલું નુકસાન થયું છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શનમાં માત્ર બેરિંગ બદલવા અને માઇનોર રિપેરિંગની જરૂરની વાત કરાઇ હતી.