અમદાવાદના કૃષ્ણનગરમાં કાર સાથે બાઈક અથડાવી રૂ. 50 લાખની ફિલ્મી સ્ટાઈલે લૂંટથી ચકચાર

05:08 PM Jun 27, 2026 | gujaratpost

  • કારમાંથી ભાજપ અને ખોડલધામનો ખેસ મળ્યો
  • સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી

અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર ક્રાઈમની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી એડીસી  બેંકની સામે, મારુતિ પ્લાઝા પાસે એક કારમાંથી નજર ચૂકવીને ધોળા દિવસે રૂ. 50 લાખની ઉઠાંતરી થતાં ચકચાર મચી ગઈ હતી. હેલમેટ પહેરેલા બાઈક સવાર બે અજાણ્યા શખસો રૂપિયા ભરેલી બેગ લઈને પળવારમાં છૂમંતર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ફરિયાદીએ બાપુનગર વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાંથી રૂ. 50 લાખ રોકડા લીધા હતા. આ રૂપિયા એક થેલામાં ભરીને તેઓ કાર દ્વારા કોઠિયા હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મારુતિ પ્લાઝા પાસે એક બાઈક ચાલકે જાણીજોઈને પોતાની બાઈક કારની પાછળ અથડાવી હતી.

બાઈક અથડાતા જ કારચાલક નીચે ઉતર્યો હતો અને બાઈક ચાલક સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. કારચાલક જ્યારે ઝઘડામાં વ્યસ્ત હતો, ત્યારે જ તેનો ફાયદો ઉઠાવીને બીજા બાઈક પર આવેલા બે હેલમેટધારી શખસોએ કારનો કાચ તોડી નાખ્યો હતો અને અંદર પડેલી રૂ. 50 લાખની બેગ લઈને રફુચક્કર થઈ ગયા હતા.

જે કારમાંથી રૂ. 50 લાખની ઉઠાંતરી થઈ , તે કારની તપાસ કરતા અંદરથી ભાજપનો ખેસ તેમજ સામાજિક સંસ્થા ખોડલધામ અમદાવાદ લખેલો ખેસ મળી આવ્યો છે, જેને કારણે આ મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.