- નકલી ઢાંકણા અને બ્રાન્ડેડ સ્ટીકરો મળી આવ્યાં
- આરોપી ફરાર થઈ ગયો
અમદાવાદ: શહેરમાં સસ્તા દારૂને પ્રીમિયમ બ્રાન્ડની બોટલોમાં ભરી મોંઘા ભાવે વેચવાના નેટવર્કનો ઓઢવ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે તેનો પતિ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયો છે.
ઓઢવ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે અરિહંતબાગ સોસાયટીના એક મકાનમાં નકલી દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે 19 જાન્યુઆરીના રોજ મકાન પર દરોડો પાડ્યો હતો.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દંપતીચાલાકીથી આ કૌભાંડ ચલાવતું હતું. તેઓ બજારમાંથી જાણીતી અને પ્રીમિયમ બ્રાન્ડની ખાલી બોટલો ભેગી કરતા હતા અને આ બોટલોમાં સસ્તો ઇંગ્લિશ દારૂ ભરવામાં આવતો હતો. બોટલ અસલી લાગે તે માટે તેના પર નકલી ઢાંકણા અને સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા. ત્યારબાદ આ બોટલો ગ્રાહકોને અસલી કહીને ઊંચા ભાવે પધરાવી દેવામાં આવતી હતી. રાજ્યમાં દારૂબંધી હોવા છંતા કોઇ પણ પ્રકારનો દારૂ વેંચવામાં આવી રહ્યો છે.
પોલીસે ઘટના સ્થળેથી 40 વર્ષીય લક્ષ્મીબેન શાહની ધરપકડ કરી છે. જો કે, તેનો પતિ અને સહ-આરોપી અલ્પેશભાઈ કનુભાઈ શાહ ભાગી છૂટ્યો છે. પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કુલ ₹2.2 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જાણીતી બ્રાન્ડની દારૂની 30 નંગ બોટલો તથા પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો 33 લિટર છૂટક દારૂ જપ્ત કરાયો હતો.