પેટા ચૂંટણીઃ વરસાદી માહોલ વચ્ચે વિસાવદર, કડી બેઠકનું મતદાન શરૂ - Gujarat Post

09:18 AM Jun 19, 2025 | gujaratpost

સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે

વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરશે

કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપશે

અમદાવાદઃ ગુજરાતભરમાં છવાયેલા વરસાદી માહોલ વચ્ચે વિસાવદર, કડી બેઠકનું મતદાન શરૂ થયું હતું. કડી વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ કુંડાળ ગામે બુથ નંબર 160, રૂમ નંબર 4 માં બોગસ એજન્ટ ઘુસ્યો હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે હું આ અંગે પ્રિસાઇડીંગ ઓફિસર વિરુદ્ધ પ્રાંત અધિકારીને ફરિયાદ કરીશ. વિસાવદર વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા ભેંસાણ મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઉપર મતદારો માટે ખાસ મોબાઈલ રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોબાઈલ હોલ્ડરની સુવિધા ઉભી કરવામાં આવી છે, મતદાર મતદાન કરવા જાય તે પહેલા આ ટેબલ પર પોતાનો મોબાઇલ જમા કરાવી જાય છે, મતદાનની ગુપ્તતા જળવાઈ રહે તે ચૂંટણી પંચ દ્વારા ખાસ આ મોબાઇલ હોલ્ડર સુવિધા ઉભી કરવામાં આવી છે.

વિસાવદરમાં વર્ષ 2022માં પહેલી વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી વિજેતા બન્યા હતા, જોકે જીત પછી ભાજપના હર્ષદ રીબડિયાએ તેમના વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી, ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ લગાવ્યા. પિટિશન દરમિયાન ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા, જેના પરિણામે વિસાવદર બેઠક ખાલી થઈ. હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચતાં પેટાચૂંટણી માટેનો માર્ગ ખુલ્લો થયો. તો બીજી તરફ કડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોંલકીનું નિધન થતાં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++