અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણને કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓ કમોસમી વરસાદથી પીડાઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં થયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો રાજ્યના 33 જિલ્લાઓના 214 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કમોસમી વરસાદ ભાવનગર, ભરૂચ, ગાંધીનગર, છોટા ઉદેપુર, સુરત અને ડાંગમાં પડ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદથી રાહતની કોઈ આશા નથી.
વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કમોસમી વરસાદ ભાવનગરના મહુવા અને તળાજામાં 3.75 ઇંચ નોંધાયો છે. રાજ્યના દહેગામ, ક્વાંટ, મહુવા, ગાંધીનગર અને જાંબુઘોડા તાલુકામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન છે. તેઓ સરકાર પાસેથી નુકસાનની ભરપાઈ માટે વળતરની માંગ કરી રહ્યાં છે.
આગામી બે દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે કમોસમી વરસાદની શક્યતા છે, જેમાં આજે 31મી ઓક્ટોબરના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લો શામેલ છે.1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લાઓમાં કમોસમી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે
કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ પછી રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક સર્વે કરવાના આદેશો આપવામાં આવ્યાં છે. સરકાર શક્ય એટલી વહેલી તકે ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહી છે.
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર 23 થી 28 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદથી અંદાજિત 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર પ્રભાવિત થયો હતો.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન થયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં સરેરાશ કરતાં વધુ એટલે કે 126.78 ટકા વરસાદ નોંધાયો છે, પરંતુ આટલા વરસાદ પછી હાલના કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોના મગફળી, કપાસ જેવા પાકનો નાશ થઈ રહ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++