કમોસમી વરસાદ: ગુજરાતમાં 42 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન, ખેડૂત પાસેથી ટેકાના ભાવે 125 મણ પાક ખરીદાશે

10:26 AM Nov 06, 2025 | gujaratpost

  • 9 નવેમ્બરથી ટેકાના ભાવની ખરીદી શરૂ થશે
  • ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે 

ગાંધીનગર: ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપી હતી. વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યના 16,000 ગામોમાં કમોસમી વરસાદને કારણે 42 લાખ હેક્ટર જમીનને નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન થતાં પાક બરબાદ થયા છે.

મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા SDRFના નિયમોની ઉપર જઈને ટોપઅપ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના બજેટમાંથી ખેડૂતોને નિયમ ઉપરાંતની સહાય ચૂકવવામાં આવશે. જો જરૂર પડશે તો કેન્દ્ર સરકાર પાસે પણ સહાય માંગવામાં આવશે, જે અંગેનો નિર્ણય મુખ્યમંત્રી લેશે.

ખેડૂતો પર પાક બરબાદ થવાથી આર્થિક ભારણ વધ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જાહેરાત કરી કે 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે. ખેડૂતદીઠ 125 મણ પાકની ખરીદી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગત વર્ષ કરતા મગફળીના ભાવમાં રૂપિયા 480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા પાક ખરીદી કેન્દ્રો પર લાવવાનો રહેશે.