ગુજરાત ફરી શર્મસાર ! ઉનાન નવાબંદર દરિયા કિનારે આધેડ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ- Gujarat Post

08:21 PM Oct 09, 2025 | gujaratpost

  • બે આરોપીઓ ઝડપાયા
  • ઘટના બાદ પીડિતાની તબિયત લથડતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક આવેલા નવાબંદર કોસ્ટલ દરિયાકાંઠાના એક ગામમાં ત્રણ દિવસ પૂર્વે એક આધેડ મહિલા પર સામૂહિક દુષ્કર્મની સનસનીખેજ ઘટના બની હતી. ત્રણથી વધુ નરાધમોએ મહિલાનું અપહરણ કરી આ કૃત્ય આચર્યું હતું, જેમાં મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમની તબિયત લથડી છે. હાલ તેમની ગંભીર હાલતને કારણે વધુ સારવાર માટે તેમને જૂનાગઢ ખસેડવામાં આવ્યાં છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘૃણાસ્પદ કૃત્ય ત્રણ દિવસ પહેલાં આચરવામાં આવ્યું હતું. નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો, દેવચંદ બારીયા અને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબૂતર દેવશીભાઈ મજેઠીયા (બંને રહે. નવાબંદર) સહિતના આરોપીઓએ આધેડ મહિલાને બાઈક પર બેસાડી અપહરણ કર્યું હતું, ત્યારબાદ કંઈક સૂંઘાડીને તેમને બેભાન કરી દીધાં હતાં. બેભાન અવસ્થામાં જ મહિલાને ઘરે લઈ જઈને તેમની પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ ગંભીર ઈજાઓ અને પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પીડાતા રહ્યાં હતાં. તબિયત વધુ લથડતાં તેમણે દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી, જેની સાથે તેમને છેલ્લાં 7 વર્ષથી સંબંધ હતા. યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો અને મહિલાને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.

ફરજ પરના તબીબે આ મામલે પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ કાફલો ત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મહિલાનું નિવેદન લેવા માટે ઉનાના નાયબ મામલતદાર પણ હોસ્પિટલે પહોંચ્યાં હતા અને પીડિતાનું નિવેદન નોંધ્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ ત્રણેય આરોપીઓ નવાબંદરના કાંતિભાઈ અરજણભાઈ વાજાની બોટમાં માછીમારી કરવાના બહાને દરિયામાં ભાગી ગયા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી બોટ માલિક સાથે વાત કરી હતી અને બોટમાં વાયરલેસ મેસેજ મોકલીને બોટને પરત ફરવા કહ્યું હતુ.

પોલીસની ટીમે રાત્રે દરિયામાં જઈને નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો દેવચંદ બારીયા અને સંજય ઉર્ફે કબલી ઉર્ફે કબૂતર દેવશીભાઈ મજેઠીયાની ધરપકડ કરી લીધી છે. જો કે, આ ગુનામાં સંડોવાયેલા ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે.