પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક, શનિવારે થશે અંતિમ સંસ્કાર- Gujarat Post

11:01 AM Dec 27, 2024 | gujaratpost

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવાર, તા. 26 ડિસેમ્બર, 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ 26 ડિસેમ્બર, 2024થી 1 જાન્યુઆરી, 2025 સુધી સમગ્ર દેશમાં 7 દિવસના રાજકીય શોકની જાહેરાત કરાઇ છે. આ સમયગાળા દરમિયાન, જ્યાં પરંપરાગત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને તમામ સત્તાવાર કાર્યક્રમો સ્થગિત રહેશે.

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે થશે, જેની સત્તાવાર જાહેરાત શુક્રવારે થવાની અપેક્ષા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલએ ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર બીજા દિવસે કરવામાં આવશે. અમે સત્તાવાર જાહેરાત કરીશું. મનમોહન સિંહના નિધનને દેશ માટે દુઃખદ ક્ષતિ ગણાવતા તેમણે કહ્યું કે મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું વાસ્તવિક પ્રતીક હતા.

કૉંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યાં અનુસાર આ દિવસ દેશ અને કોંગ્રેસ માટે ખૂબ જ દુઃખદ છે.તેઓ આ દેશના વહીવટકર્તાઓમાંના એક હતા. જ્યાં સુધી કોંગ્રેસની વાત છે, અમે અમારા મહાન નેતાઓમાંના એકને ગુમાવ્યાં છે. 10 વર્ષ માટે પ્રધાનમંત્રી અને 5 વર્ષ માટે નાણાં મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુશાસનનું પ્રદર્શન કર્યું હતું. આ દેશ માટે મોટી ખોટ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++