TRP ગેમ ઝોન અગ્નિકાંડ: આરોપી મનસુખ સાગઠિયાને હાઈકોર્ટમાંથી રાહત, દિવાળી પૂર્વે જેલમુક્ત

09:53 AM Oct 15, 2025 | gujaratpost

રાજકોટ: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિવાળીના તહેવાર પૂર્વે હાઈકોર્ટે અપ્રમાણસર મિલકત કેસમાં જામીન મંજૂર કર્યા હતા, હવે સાગઠિયા જેલની બહાર પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકશે.

મળતી માહિતી મુજબ, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે મનસુખ સાગઠિયા વિરુદ્ધ કુલ ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યાં હતા. અગાઉના બે કેસમાં તેમને પહેલેથી જ જામીન મળી ચૂક્યાં હતા. રાજકોટ સેશન્સ કોર્ટે તેમને ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં જામીન મંજૂર કર્યા હતા. આ ત્રીજા અને અંતિમ કેસમાં પણ જામીન મળતા તેઓ કાયમ માટે જેલમુક્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25 મે, 2024ના રોજ એક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં નાના બાળકો, તેમના પરિવારના કેટલાક સભ્યો અને ગેમ ઝોનના કર્મચારીઓ સહિત કુલ 27 લોકોના મોત નીપજ્યાં હતા. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને અંતે મનસુખ સાગઠિયા સહિત કુલ 15 આરોપીઓની ધરપકડ કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++