સુરત: શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને કાપડ વેપારી રશ્મિન ચંદ્રકાંત કાચીવાલાએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ખત્રી સમાજ અને સમગ્ર ઉદ્યોગ જગતમાંં શોકની લાગણી છવાઈ ગઈ છે. રશ્મિન કાચીવાલા સલાબતપુરા વિસ્તારની ખાંગડશેરી ખાતે આવેલા હનુમાનજીના મંદિરની બાજુમાં પત્ની સહિત પરિવાર સાથે રહેતા હતા.
તેઓ પલસાણાના ગુજરાત ઇકોટ ટેક્સટાઇલ પાર્કમાં જે.પી. કાચીવાલા નામથી પોતાની મિલ યુનિટ ધરાવતા હતા, જેની જવાબદારી તેઓ મોટાભાઈ ધર્મેશ કાચીવાલા સાથે સંભાળતા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મૃતક રશ્મિન કાચીવાલા છેલ્લા કેટલાક સમયથી કોઈક અગમ્ય કારણોસર ડિપ્રેશનમાં હતા. જોકે, આ ડિપ્રેશન પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ધંધાકીય તણાવ, દેવું અથવા પારિવારિક સમસ્યા જેવા આત્મહત્યા પાછળના સંભવિત કારણો અંગે તપાસ શરૂ કરી છે.કાચીવાલા પરિવારને માથે આ આકસ્મિક આફત આવતાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતક રશ્મિન કાચીવાલાનો એકનો એક પુત્ર હાલમાં અભ્યાસ અથવા વ્યવસાય અર્થે અમેરિકા ખાતે રહે છે.