સુરતમાં પાન-માવાની પિચકારી મારનારા 5200 લોકો પાસેથી રૂ. 9 લાખનો દંડ વસૂલવામાં આવ્યો- Gujarat Post

11:07 AM Nov 07, 2024 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

Latest Surat News: સુરતના રસ્તામાં કે જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરના સીસીટીવીના મોનિટરિંગથી 4500 કેમેરા દ્વારા થૂંકબાજી કરનારા 5,200 લોકોને ઝડપીને કુલ 9 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. પાલિકાનો દાવો છે કે, રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે આટલો દંડ છંતા થૂંકબાજો સુધરવાનું નામ નથી લેતા, જેથી આગામી દિવસો હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડની રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી શરૂ કરી દીધી છે.

પાલિકાએ બ્રિજ, ડિવાઈડરો, સર્કલો, ગાર્ડન, પે એન્ડ યુઝ સહિતની મિલકતો પર રંગરોગાન કરવા ચાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. પરંતુ ખુટખાં-મસાલા ખાનારા લોકો રંગરોગાનને બગાડી રહ્યાં છે. આ સ્થિતિ વચ્ચે પાલિકાનો આરોગ્ય વિભાગે દંડનો ચાર્જ બમણાથી ત્રણ ગણો કરવાની તૈયારી કરી છે.

પાન-મસાલા ખાઈને પિચકારી મારતાં લોકોને તેમના વાહનના નંબરના આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે શહેરની છબિ બગાડનારા આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે.