સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ

06:09 PM Apr 11, 2026 | gujaratpost

સુરત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી રાજકીય જંગનું મેદાન બની હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ)ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે એ કલેક્ટર કચેરીમાં જ ફિનાઈલ પીને  આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર વહીવટી તંત્ર અને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

જ્યારે અન્ય પક્ષના ઉમેદવારો ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યાં હતા, ત્યારે ગૌશાલીબેને અચાનક આત્મઘાતી પગલું ભરતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણો જણાવતા તેમણે આક્રોશ સાથે કહ્યું કે,ચૂંટણી પંચના કડક નિયમો અને ફોર્મમાં રહેલી ટેકનિકલ ખામીને કારણે તેઓ ઉમેદવારી પત્ર ભરી શક્યા ન હતા.

નિયમ મુજબ ડેટામાં સુધારો ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ થઈ શકે છે, જે ન થઈ શકતા તેમની ઉમેદવારી અટવાઈ હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટીએ તેમને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ આવું થતા હતાશ થઈને તેમણે આ પગલું ભર્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા કલેક્ટર કચેરી ખાતે તાત્કાલિક વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. હાલ ગૌશાલીબેન તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

Trending :

બીજી તરફ કલેક્ટર કચેરીમાં રાજકીય નારેબાજીએ જોર પકડ્યું હતું. આપના નેતા મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલિયા નામાંકન પત્ર ભરવા પહોંચ્યાં ત્યારે ત્યાં હાજર ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ થયું હતું. ભાજપના કાર્યકરોએ ગોપાલ ઈટાલિયાને જોતા જ મોદી-મોદીના નારા લગાવ્યાં હતા.  ભાજપ તરફથી કેજરીવાલ ચોર છે અને દેશ કે ગદ્દારો કો... જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં ત્યારે વાતાવરણ ત્યારે વધુ તંગ બન્યું હતું.