- બેગ લઈને જતો આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો
- યુપીઆઈ પેમેન્ટ પોલીસને આરોપી સુધી લઈ ગયું
સુરત: કોસંબા ઓવરબ્રિજ નજીક સોમવારે એક સૂટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળી આવવાના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. એલસીબીએ મૃતક મહિલાના લિવ-ઇન પાર્ટનર એવા આરોપીને દિલ્હી નજીક ફિરોઝાબાદથી ઝડપી પાડ્યો હતો.
આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે. મૃતક મહિલા અને રવિ શર્મા લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને સાથે રહેતા હતા. મહિલા રવિ પર લગ્ન માટે સતત દબાણ કરી રહી હતી, જેના કારણે રવિએ તેની હત્યા કરી નાખી અને લાશનો નિકાલ કરવા માટે મૃતદેહને સૂટકેસમાં ભરીને ફેંકી દીધો હતો.
આરોપીએ મહિલાની લાશને બાંધીને બેગમાં મૂકી હતી. ત્યાર બાદ તે આ બેગને કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં આવેલા સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાં મૂકીને ફરાર થઈ ગયો હતો.
આરોપી બેગ લઈને જતો હોય એવા સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યાં હતા. આરોપીએ મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી બેગ ખરીદતી વખતે દુકાનમાં UPI દ્વારા પેમેન્ટ કર્યું હતું, જેના પુરાવાઓ પોલીસને તપાસમાં મળ્યાં હતા.
મૃતદેહ મળ્યાં બાદ તેનું સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર ચંદ્રેશે પ્રાથમિક રિપોર્ટ અંગે જણાવ્યું કે મૃતક મહિલાની ઉંમર 25થી 30 વર્ષની આસપાસ છે અને તેની હત્યા મૃતદેહ મળવાના 24 કલાક પહેલાં થઈ હોવાની શક્યતા છે. મહિલા સાથે કોઈ બળજબરી થઈ છે કે નહીં તે સહિતના અન્ય સેમ્પલો લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સેમ્પલોના રિપોર્ટ આવ્યાં બાદ વધુ માહિતી સામે આવશે.