(file photo)
નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા સુપ્રીમ કોર્ટે પોતાની કાર્યપ્રણાલીમાં મોટો ફેરફાર કરીને એક આધુનિક અને પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થા લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે સોમવાર અને શુક્રવારે કેસોની સુનાવણી માત્ર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ કરવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર, હવે તમામ મિસલેનિયસ ડેઝ એટલે કે સોમવાર, શુક્રવાર અને અન્ય નિર્ધારિત દિવસોમાં કેસોની સુનાવણી માત્ર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ થશે. આ નિર્ણય હેઠળ કોર્ટે રજિસ્ટ્રીને કોઈ પક્ષકારને મુશ્કેલી ન પડે તે માટે વીડિયો લિંક સમયસર મોકલવામાં આવે અને ટેકનિકલ સહાયતા પણ સરળતાથી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. કોવિડ-19 મહામારીના સમયથી શરૂ થયેલી ડિજિટલ સુનાવણીને હવે એક કાયમી અને વ્યવસ્થિત માળખામાં સામેલ કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોએ સર્વસંમતિથી કાર-પૂલિંગ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે. આ પગલું વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ અને ઊર્જા સંરક્ષણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ પર્યાવરણ પર પડતા દબાણને ઓછું કરવાનો પણ છે.
સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સાથે જોડાયેલા કર્મચારીઓ માટે પણ એક નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આદેશ અનુસાર, દરેક શાખા અને સેક્શનમાં 50 ટકા કર્મચારીઓ અઠવાડિયામાં બે દિવસ વર્ક ફ્રોમ હોમ કરી શકશે. જો કે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાકીનો સ્ટાફ ઓફિસમાં હાજર રહેશે જેથી કામકાજ કોઈ પણ જાતની અડચણ વગર ચાલતું રહે. આ સાથે જ કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ વર્ક ફ્રોમ હોમ દરમિયાન ફોન પર ઉપલબ્ધ રહે અને જરૂર પડે ત્યારે તાત્કાલિક ઓફિસે આવવા માટે તૈયાર રહે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા ઈંધણનો વપરાશ ઘટાડવાની અપીલ કરી હતી. આ જ ક્રમમાં ખુદ પીએમ સહિતના કેટલાક મંત્રીઓએ પોતાના કાફલાનું કદ ઘટાડી દીધું હતું. આ સિવાય કેટલાય રાજ્યોએ વર્ક ફ્રોમ હોમનો આદેશ પણ આપ્યો હતો. .