રાજકોટ: પિતાની નજર સામે જ કાળમુખા ડમ્પરે માસૂમ દીકરીનો ભોગ લીધો, 22 વર્ષ બાદ જન્મી હતી માસૂમ

03:40 PM Jan 07, 2026 | gujaratpost

રાજકોટ: શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર ટીલાળા ચોક પાસે કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા પિતાની નજર સામે જ તેમની 7 વર્ષની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ઉમિયા ચોક પાસે આવેલી જશરાજનગર શેરી નંબર-5માં રહેતા અને પ્લાસ્ટિકના દાણાનો વેપાર કરતા ભાવેશભાઈ રમણીકભાઈ વખારિયા (ઉ.વ. 52) આજે સવારે આશરે 11 વાગ્યાના અરસામાં તેમની 7 વર્ષની દીકરી નેતીને બાઈક પર આંટો મરાવવા નીકળ્યા હતા. દરમિયાન મવડી બાયપાસ પાસે ટીલાળા ચોક નજીક કાળ બનીને આવેલા એક ડમ્પર ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી પ્રચંડ હતી કે પિતા-પુત્રી રસ્તા પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં 7 વર્ષની નેતી ડમ્પરના ટાયર નીચે આવી જતાં તેનું પિતાની નજર સામે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ભાવેશભાઈને ઇજા પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની સૌથી વધુ દુઃખદ પાસું એ છે કે, ભાવેશભાઈ અને તેમના પત્ની કાજલબેન (જેઓ વ્યવસાયે શિક્ષિકા છે) ને લગ્નના 22 વર્ષ બાદ પુત્રી નેતીનો જન્મ થયો હતો. દંપતીએ વર્ષોની બાધા-આખડી બાદ જે દીકરીનું મોઢું જોયું હતું, તેને કુદરતે પિતા પાસેથી આ રીતે છીનવી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. નેતી ધોરણ-1 માં અભ્યાસ કરતી હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++