રાજકોટઃ ગુજરાતના રાજકારણમાં અને પોલીસ બેડામાં ચર્ચાસ્પદ બનેલા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવા સામેના ગંભીર આક્ષેપોમાં નવો વળાંક આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કોળી યુવાન સુરેશ વડેચાએ કરેલા આક્ષેપો બાદ થયેલા મેડિકલ પરીક્ષણમાં ગુદામાં પેટ્રોલ નાખવાની કોઈ પુષ્ટિ થઈ નથી.
સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સુરેશ વડેચાનું વિગતવાર મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં નીચે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે મુજબ દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી મળી નથી. તપાસ દરમિયાન તે ભાગમાં કોઈ ગંભીર ઈજા, લોહી નીકળવું (બ્લડ) કે દાઝ્યાના (બર્ન) નિશાન જોવા મળ્યાં નથી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ સુરેશ વડેચાએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની મુલાકાત સમયે આક્ષેપ કર્યો હતો કે, ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ તેને પટ્ટાથી માર માર્યો હતો અને તેના ગુદાના ભાગે પેટ્રોલ નાખ્યું હતુ. આ ઘટના બાદ મેવાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ડીસીપી સામે FIR દાખલ કરવા અને તેમને નોકરીમાંથી ડિસમિસ કરવાની માંગ કરી હતી.આ સિવાય ધારાસભ્ય વિમલ ચુડાસમા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ પણ પત્રકાર સુરેશભાઇની મુલાકાત લીધી હતી.
સુરેશભાઇ 23 માર્ચે હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે તેમણે બેલ્ટ અને પાઈપથી માર માર્યાની વાત કરી હતી, પરંતુ ત્યારે પેટ્રોલ અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. મેવાણીની મુલાકાત બાદ જ આ નવો આક્ષેપ સામે આવ્યાંં હતા. મેડિકલ રિપોર્ટમાં આક્ષેપો નકારાયા હોવા છતાં, ધારાસભ્યોએ પોતાનો વિરોધ યથાવત્ રાખ્યો છે.
મેવાણીએ કહ્યું, મને મેડિકલ રિપોર્ટ પર જરા પણ ભરોસો નથી. પોલીસ પુરાવા હોય તો કાયદેસરની કાર્યવાહી કરે તેની સામે વાંધો નથી, પરંતુ આવી અમાનવીય પદ્ધતિનો વિરોધ છે. અમારો 14 એપ્રિલનો રાજકોટનો કાર્યક્રમ યથાવત રહેશે. જ્યારે વિમલ ચુડાસમાએ કહ્યું પોલીસને પૂછપરછ કરવાનો હક છે, પણ માર મારવાનો નહીં. અમે 14 તારીખે સાથે મળીને વિરોધ નોંધાવીશું અને પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરીશું.