- પાપ છુપાવવા માટે માસૂમ બાળકીને ગર્ભનિરોધક ગોળીઓ ખવડાવતો
- મધ્યપ્રદેશથી પરિવાર સાથે મજૂરી માટે આવી હતી બાળકી
રાજકોટઃ લોહીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક 14 વર્ષીય સગીર ભત્રીજી પર તેના જ કૌટુંબિક કાકાએ પાંચ મહિનામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે. આ નરાધમ પાપ છુપાવવા માટે માસૂમ બાળકીને ગર્ભનિરોધક ગોળીઓ પણ ખવડાવતો હતો.
આ શરમજનક ઘટના ત્યારે સામે આવી જ્યારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. મૂળ મધ્યપ્રદેશથી રાજકોટ આવી મજૂરી કામ કરતા આ પરિવારમાં જ્યારે બાળકીની તબિયત લથડી, ત્યારે તેના પિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. તપાસ દરમિયાન બાળકી પાસેથી કેટલીક શંકાસ્પદ ગોળીઓ મળી આવી હતી. તબીબોએ તપાસ કરીને જણાવ્યું કે આ ગર્ભનિરોધક ગોળીઓ છે અને તેના સતત સેવનથી બાળકીના શરીરમાં ગંભીર ઇન્ફેક્શન લાગ્યું છે, જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
ડોક્ટરની વાત સાંભળીને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે બાળકીને વિશ્વાસમાં લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેણે રડતા રડતા પોતાની 5 મહિનાની પીડા કહી હતી. તેણે જણાવ્યું કે તેની માતા રિસામણે હોવાથી તે પિતા સાથે કાકાના ઘરે રહેતી હતી. જ્યારે પિતા મજૂરીકામ માટે બહાર જતાં અને ઘરે કોઈ ન હોય ત્યારે 37 વર્ષીય કાકો તેની સાથે બળજબરી કરતો હતો. ગર્ભ ન રહી જાય તે માટે તે સતત ગોળીઓ ખાવા મજબૂર કરતો અને ધાકધમકી આપતો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીની પત્ની 8 મહિનાથી તેના 4 બાળકો સાથે પિયરમાં જતી રહી છે. પત્નીની ગેરહાજરીનો લાભ ઉઠાવી નરાધમે પોતાની ભત્રીજી પર નજર બગાડી હતી. હાલ પોલીસે નરાધમ કાકાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.