અમદાવાદમાં રાતે ગાજવીજ સાથે વરસાદ, દાહોદમાં સ્માર્ટ સિટીનું મહાકાય સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 નાં મોત

10:39 AM Jun 02, 2026 | gujaratpost

અમદાવાદઃ પ્રિમોન્સૂન એક્ટિવિટી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને થોડી રાહત મળી હતી.  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

મહીસાગર જિલ્લામાં હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે અનેક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કડાણા તાલુકાના માલવણ ગામે જોરદાર પવનના કારણે વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ અચાનક બાઈક પર પડતાં બે યુવકોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત આજુબાજુના વિસ્તારોમાં અચાનક વરસાદી માહોલ જામ્યો હતો, જ્યાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતાં મુખ્ય માર્ગો પર વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

દાહોદમાં ભારે વાવાઝોડાને કારણે સ્માર્ટ સિટીનું મહાકાય સાઈન બોર્ડ ધરાશાઈ થયું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે. જેમાં શક્કરિયાભાઈ નીનામા, હિમસિંગભાઈ પરમાર, બાબુભાઈ બારીયાનો સમાવેશ થાય છે. બીજી બાજુ દાહોદના ગરબાડા અલીરાજપુરનો બંન્ને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો.