(Image Credit: AI)
વડોદરા- મહારાષ્ટ્રઃ રેલવેના ટીટીની શરમજનક કરતૂત સામે આવી છે. ડ્રેસ આપવા આવેલી યુવતી સાથે અશ્લીલ હરકતો કરી હતી. મહારાષ્ટ્રના નાલા સોપારામાં રહેતા અને રેલવેમાં ટીટી તરીકે નોકરી કરતા સંજયકુમાર બાબુલાલ ઝીણા સામે વડોદરાની યુવતીએ છેડતીની ગંભીર ફરિયાદ નોંધાવી છે. આરોપી સંજયકુમાર યુવતીના માસીનો ઓળખીતો હતો.
યુવતીએ તેની માસીને એક ડ્રેસ મોકલવાનો હતો. માસીની સલાહ પર, યુવતી ઓળખીતા ટીટી સંજયને ડ્રેસ આપવા માટે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ એસી કોચ પાસે પહોંચી હતી. ત્યાં આરોપી ટીટી સંજયે યુવતીને અંદરનો કોચ બતાવવાના બહાને ટ્રેનની અંદર બોલાવી હતી, તેની સાથે બળજબરીપૂર્વક અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં કર્યાં હતા.
આ આઘાતજનક ઘટના બાદ યુવતીએ મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી હતી, જે તપાસ માટે વડોદરા રેલવે પોલીસને મોકલવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, પરંતુ આરોપી સંજય ઝીણા પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઈ ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે.