નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલ અને સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો તણાવ હવે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યસભામાં પક્ષના ઉપનેતા પદેથી ચઢ્ઢાને હટાવીને તેમના સ્થાને ડૉ. અશોક કુમાર મિત્તલની નિમણૂંક કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. પાર્ટીએ માત્ર નેતૃત્વમાં જ ફેરફાર નથી કર્યો, પરંતુ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને એવી વિનંતી પણ કરી છે કે રાઘવ ચઢ્ઢાને ગૃહમાં બોલવા માટે સમય આપવામાં ન આવે. ત્યારથી પાર્ટી અને ચઢ્ઢા વચ્ચેના અંતરની ચર્ચાઓ તેજ થઈ છે.
કેજરીવાલ અને રાઘવ ચઢ્ઢા વચ્ચેનું અંતર તે દિવસથી જ દેખાવા લાગ્યું હતું જ્યારે કેજરીવાલ જેલમાં હતા અને રાઘવ પત્ની પરિણીતી સાથે લંડનમાં ફરતા અને મોજ-મસ્તી કરતા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં હતા. લોકસભા ચૂંટણીમાં પણ રાઘવને પંજાબથી દૂર રાખવામાં આવ્યાં હતા. ઔપચારિક રીતે તેઓ માત્ર આનંદપુર સાહિબ બેઠક પર જોવા મળ્યાં હતા. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી રાઘવ ચઢ્ઢા પક્ષના મહત્વના મુદ્દાઓ પર અપેક્ષા કરતા વધુ શાંત જણાતા હતા.
વિપક્ષ જ્યારે તેને આપના આંતરિક મતભેદના સંકેત તરીકે ગણાવી રહ્યો છે, ત્યારે પક્ષના વરિષ્ઠ નેતા સંજય સિંહ અને નવા ઉપનેતા ડૉ. અશોક કુમાર મિત્તલે તેને એક સામાન્ય સંગઠનાત્મક પ્રક્રિયા ગણાવી છે, જેનો હેતુ અન્ય સાંસદોને પણ જવાબદારી સોંપવાનો છે.
રાઘવ ચઢ્ઢાએ પક્ષના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ઈશારામાં પોતાની વાત રજૂ કરી છે. તેમણે કહ્યું કે, મારી ખામોશીને મારી હાર ન માની લેતા, હું એ દરિયો છું જે સમય આવ્યે સૈલાબ (પૂર) બને છે.
આ સમગ્ર ઘટના ક્રમમાં બે પ્રકારના ચિત્રો સામે આવી રહ્યાં છે. એક તરફ આમ આદમી પાર્ટી તેને સામાન્ય ફેરફાર ગણાવી રહી છે, બીજી તરફ રાઘવ ચઢ્ઢાના ઈશારા તેને અવાજ દબાવવાની કાર્યવાહી તરીકે રજૂ કરી રહ્યાં છે.