ચંદીગઢ: ભંગારના વેપારીને રાહત આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ અને માસિક ચુકવણી માંગવા બદલ સીબીઆઈએ ડીઆઈજી હરચરણ સિંહ ભુલ્લરની ધરપકડ કરી છે. ભૂતપૂર્વ ડીજીપી મહાલ સિંહ ભુલ્લરના પુત્ર હરચરણ સિંહ હાલમાં રોપર રેન્જના ડીઆઈજી છે. સીબીઆઈએ તેમના એક વચેટિયા કિરશનુની ધરપકડ કરી છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, ડીઆઈજી ફતેહગઢ સાહિબ જિલ્લાના મંડી ગોવિંદગઢના રહેવાસી આકાશ બટ્ટાને ધમકી આપીને લાંચ માંગી રહ્યા હતા. સીબીઆઈ ટીમે ચંદીગઢના સેક્ટર 40 સ્થિત ઘરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુની રોકડ, 1.5 કિલો સોનાના દાગીના, અનેક મિલકતના કાગળો અને મોંઘી ઘડિયાળો પણ જપ્ત કરી હતી.
સીબીઆઈએ ડીઆઈજી દ્વારા લાંચને સેવાઓ અને પાણી તરીકે ઉલ્લેખ કરતા રેકોર્ડિંગ્સ મેળવ્યાં હતા. તેના આધારે ભુલ્લરને ગુરુવારે બપોરે પૂછપરછ માટે સીબીઆઈ ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આકાશ બટ્ટા વિરુદ્ધ બે વર્ષ પહેલાં સરહિંદ પોલીસ સ્ટેશનમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ડીઆઈજી તે કેસમાં રાહતના બદલામાં રૂ.5 લાખની લાંચ અને માસિક ચૂકવણીની માંગ કરી રહ્યા હતા.
કંટાળીને આકાશે 11 ઓક્ટોબરે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ સીબીઆઈએ તપાસ શરૂ કરી અને પહેલા વચેટિયા અને પછી ડીઆઈજી ભુલ્લરની ધરપકડ કરી હતી. બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમને શુક્રવારે સીબીઆઈની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સીબીઆઈએ વચેટિયા કિરશનુ અને ડીઆઈજી ભુલ્લર વચ્ચે થયેલા વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ મેળવ્યું છે. તેમાં ડીઆઈજી ભુલ્લર વચેટિયાને કહેતા સાંભળવામાં આવે છે કે તે જે કંઈ ઓફર કરી રહ્યો છે તે લઈ લે અને તેને આઠ પૂરા કરવાનું કહે.
અહીં લાંચની માંગણી સ્પષ્ટ છે. રેકોર્ડિંગ્સમાં માસિક ચુકવણી પણ જાહેર કરવામાં આવી છે. એક રેકોર્ડિંગમાં મધ્યસ્થી કિરશનુ ફરિયાદીને કહે છે, પૈસા ઓગસ્ટમાં આવ્યા હતા અને પૈસા સપ્ટેમ્બરમાં આવ્યા હતા.
રાજ્યમાં કાર્યવાહી કરતા પહેલા સીબીઆઈએ ગૃહ વિભાગને જાણ કરવી પડશે. વિભાગની મંજૂરી મળ્યા પછી જ CBI કાર્યવાહી કરી શકે છે કારણ કે CBIને શંકા હતી કે રાજ્ય સરકાર DIG સામે કાર્યવાહી કરવાની મંજૂરી નહીં આપે અને કાર્યવાહીની માહિતી લીક થઈ શકે છે, તેથી CBIએ DIGને ઓફિસમાં બોલાવ્યા અને તેમની ધરપકડ કરી હતી.
ભુલ્લરના ઘરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુ રોકડ મળી આવી હતી. આ રોકડ ત્રણ બેગ અને એક બ્રીફકેસમાં પેક કરવામાં આવી હતી. તેને ગણવા માટે ટીમને નોટ ગણવાની મશીન મગાવું પડ્યું હતું. ભૂતપૂર્વ ડીજીપી મહાલ સિંહ ભુલ્લર 1980-90 ના દાયકામાં પંજાબમાં તેમના આતંકવાદ વિરોધી ઓપરેશન માટે જાણીતા છે.
હરચરણ સિંહ ભુલ્લરના નાના ભાઈ કુલદીપ સિંહ ભુલ્લર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે. ભુલ્લર શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા સામેના ડ્રગ હેરફેરના કેસની તપાસમાં પણ સામેલ હતા. તે સમયે તેઓ પટિયાલા રેન્જના ડીઆઈજી તરીકે સેવા આપતા હતા.