પરીક્ષા પે ચર્ચા દરમિયાન પીએમ મોદીની વિદ્યાર્થીઓને ટિપ્સ, મનને શાંત રાખો, ટાઇમ ટેબલ બનાવો

12:37 PM Feb 12, 2025 | gujaratpost

વિદ્યાર્થીઓનો તનાવ દૂર થાય તે જરૂરી, પરીક્ષા પહેલા ચર્ચા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2025 બોર્ડની પરીક્ષા પહેલા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વાર્તાલાપ કરી રહ્યાં છે. આ કાર્યક્રમ 10 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દૂરદર્શન અને PMOની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થઈ રહ્યો છે. વડપ્રધાન મોદી આઠમી વખત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરી રહ્યા છે.

આ વખતે આ મહેમાનોનો સમાવેશ

આ વખતે બોલિવૂડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર, મહિલા બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ, સદગુરુ, પેરા એથ્લીટ અવની લેખારા, ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર, માઇન્ડ કોચ સોનાલી સભરવાલ, વેન્ચર કેપિટાલિસ્ટ રેવંત હિમત્સિંગકા, એચટીસી ઇન્ડિયાના સીઈઓ રાધિકા ગુપ્તા અને ટેક ગુરુ ગૌરવ ચૌધરી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો છે.

પોતાના હેન્ડરાઇટિંગને લઇ શું બોલ્યા મોદી ?

પીએમ મોદીએ કહ્યું કે મારા હેન્ડરાઇટિંગ સારા થાય તેને લઇને મારા ટીચર્સે ખુબ મહેનત કરી હતી. ભલે મારા હેન્ડરાઇટિંગ સારા ન થયા હોય પરંતુ તેમના જરૂર સારા થઇ ગયા. મને સારુ લાગ્યું કે મારા ટીચર મારા માટે આટલી મહેનત કરતા હતા.

ડિપ્રેશન કેવી રીતે દૂર કરવું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે ઘરમાં કોઇ વાત નથી કરતું તો સારું નથી લાગતું. ધીમે ધીમે વિદ્યાર્થીઓ પોતાને કટ કરતા જાય છે. અને ડિપ્રેશનમાં જતા રહે છે. તેનાથી બચવા મનમાં કોઇ વાત ન રાખો. પોતાની વાતો ખુલીને કહો. બધાની સાથે વાત કરો.

મનને શાંત રાખો

પરીક્ષામાં મનને શાંત કેવી રીતે રાખી શકાય તે અંગે પીએમ મોદીએ કહ્યું કે તેનો અર્થ તો તેઓ પોતે પણ નથી જાણતા. બધા બાળકો એવી જ વાતો કરતા હોય છે કે યાર કાલે મૂડ ન હતો એટલે વાંચી ન શક્યો. જો આવું બોલશો તો તમારી મનઃસ્થિતિ નહીં સુધરે. જે કરી રહ્યાં છો તેની પર જ ધ્યાન આપો.

ટાઇમ ટેબલ જરૂર બનાવો

પીએમ મોદીએ કહ્યું કે દરેક વિદ્યાર્થી પાસે 24 કલાક હોય છે. કેટલાક લોકો સપ્તાહમાં બહુ સારુ કામ કરે છે. કેટલાકને લાગે છે કે કંઇ ન થયું. તેનું કારણ ટાઇમ મેનેજમેન્ટ છે. તેમને ખબર નથી હોતી કે સમયનો ઉપયોગ કેવી રીતે કરવો. સમયનો સદુપયોગ કરવા કાગળ પર ટાઇમટેબલ લખી લો કે કાલે આ કામ કરવાનું છે અને બીજા દિવસે માર્ક કરી લો કે કામ થયું કે નહીં.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++