પાકિસ્તાનમાં ગર્ભવતી મહિલાની ઘાતકી હત્યા, સાસુએ તેના શરીરના ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા

10:55 AM Nov 18, 2024 | gujaratpost

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગર્ભવતી મહિલાની તેની સાસુએ હત્યા કરી નાખી હતી. આ પછી ત્રણ સાથીઓ સાથે મળીને તેના શરીરના ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા હતા. આ ઘટના ગયા અઠવાડિયે લાહોરથી લગભગ 100 કિલોમીટર દૂર સિયાલકોટ જિલ્લાના ડાસ્કામાં બની હતી. પોલીસે ગઈકાલે આ માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યાં અનુસાર આ કેસમાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મૃતકની સાસુ સુગરન બીબી, તેની પુત્રી યાસ્મીન, તેનો પૌત્ર હમઝા અને દૂરના સંબંધી નાવેદનો સમાવેશ થાય છે. મૃતક ઝારા કાદિર (ઉ.વ-20) ગયા અઠવાડિયે ગુમ થઈ ગઈ હતી. બાદમાં પોલીસને ત્રણ બોરીઓમાં ઝારા તરીકે ઓળખાતી મહિલાની વિકૃત લાશ મળી આવી હતી. આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.

તે એક મહિના પહેલા સાઉદી અરેબિયાથી પરત આવી હતી, જ્યાં તેનો પતિ હાલમાં રહે છે. આ માહિતી ત્યારે સામે આવી જ્યારે પીડિતાના પિતા ઘણા દિવસો સુધી તેમની પુત્રીનો સંપર્ક કરી શક્યા ન હતા, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક શંકાસ્પદોની ધરપકડ કરી છે.

તપાસમાં જાણવા મળ્યું કે પીડિતા ઝારાએ ચાર વર્ષ પહેલા તેના પિતરાઈ ભાઈ અબ્દુલ કાદિર સાથે લગ્ન કર્યા હતા અને તે તેની સાથે સાઉદી અરેબિયામાં રહેતી હતી.

વિદેશમાં રહેતી હોવા છતાં તે અઢી વર્ષના પુત્ર સાથે અવારનવાર પાકિસ્તાન જતી હતી. તે તેના બીજા બાળકની ડિલીવરી માટે એક મહિના પહેલા તેના વતન પરત આવી હતી. પોલીસના જણાવ્યાં અનુસાર ઝારા શરૂઆતમાં તેના માતા-પિતા સાથે રહેતી હતી પરંતુ તેને તેના સાસરિયાના ઘરે પરત લાવવામાં આવી હતી, જ્યાં તે સૂતી હતી ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.

સુગરનને ડર હતો કે નવ મહિનાની ગર્ભવતી ઝારા તેના પુત્ર પર તેનો પ્રભાવ મજબૂત કરશે. સુગરને ઝારા પર તેના પુત્ર પર મેલીવિદ્યાનો આરોપ પણ લગાવ્યો હતો. જ્યારે અબ્દુલ કાદિરને તેની પત્નીને છૂટાછેડા આપવા માટે દબાણ કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો, ત્યારે સુગરનને તેની પુત્રી યાસ્મિનની મદદથી હત્યાની યોજના બનાવી હતી.

સુગરને નાવેદ નામના સંબંધીને કહ્યું કે જો તે આ હત્યામાં અંજામ આપવા માટે મદદ કરશે તો તેને વિદેશ જવા માટે મદદ કરશે. ચાર શંકાસ્પદોએ સાથે મળીને ઝારાને ગૂંગળાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી, તેને સળગાવીને તેનો ચહેરો વિકૃત કર્યો હતો અને ડ્રેનેજ ચેનલમાં તેનો નિકાલ કરતા પહેલા તેના શરીરના ટુકડા કરી નાખ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++