જમ્મુ- કાશ્મીરઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇને નવો ઘટસ્ફોટ થયો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ દાવો કર્યો છે કે આ હુમલામાં પાકિસ્તાનને ચીને મદદ કરી હતી. પ્રોફેસર કોંડાપલ્લીએ જણાવ્યું કે પહેલગામ હુમલામાં સામેલ આતંકી પાસે ચીનની સેટેલાઇટ કનેક્શન વાળો હુવેઇ (Huawei) કંપનીનો ફોન હતો. આ ફોનની મદદથી આતંકી પાકિસ્તાનમાં સંદેશા મોકલી રહ્યો હતો. તેના પરથી સ્પષ્ટ થાય છે કે ચીને આ હુમલામાં પાકિસ્તાનને ટેક્નિકલ મદદ પૂરી પાડી હતી.
એક ઇન્ટરવ્યૂંમાં પ્રોફેસર કોંડાપલ્લીએ આતંકવાદના મુદ્દે ચીન અને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ચીન દુનિયાની સામે આતંકવાદ વિરોધી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તે ગુપ્ત રીતે પાકિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરી રહ્યું છે. પ્રોફેસરે વધુમાં દાવો કર્યો કે પહેલગામ પર પાકિસ્તાની આતંકીઓએ હુમલો કર્યો તે પહેલાં, ચીને તેમને પહેલગામની સેટેલાઇટ તસવીરો મોકલી હતી. ઉપરાંત, ચીન પાકિસ્તાનને JF-17, J-10 જેવા સૈન્ય ઉપકરણો અને HQ-9 મિસાઇલ બેટરી જેવી લશ્કરી સામગ્રી પણ પૂરી પાડી રહ્યું છે.
ભારતે આતંકીઓ સામે જે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, તેમાં પણ ચીને પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું અને તેને મદદ કરી હતી. આ દાવાઓ ભારતમાં આતંકવાદની ઘટનાઓમાં પાકિસ્તાન-ચીન ગઠબંધન પર ગંભીર સવાલો ઊભા કરે છે.