મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને નૌટંકીબાજ ગણાવ્યાં

10:29 AM May 21, 2026 | gujaratpost

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ઇટાલીના પીએમ મેલોની દ્વારા આપવામાં આવેલી મૅલોડી ભેટને લઈને નિશાન સાધ્યું છે. તેમણે મોદીને નૌટંકીબાજ કહ્યાં છે, રાહુલ ગાંધીનું આ નિવેદન ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા મોદીને મૅલોડી ટૉફીનું પેકેટ આપતો એક વીડિયો પોસ્ટ કર્યા બાદ આવ્યું છે.

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, આર્થિક તોફાન માથે તોળાઈ રહ્યું છે, અને આપણા વડાપ્રધાન ઇટાલીમાં ટૉફી વહેંચી રહ્યા છે ! ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ બધા રડી રહ્યાં છે - પીએમ હસીને રીલ બનાવી રહ્યાં છે, અને ભાજપવાળા તાળીઓ પાડી રહ્યા છે. આ નેતૃત્વ નથી, નૌટંકી છે.

આ પહેલા ઇટાલિયન પીએમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર 12 સેકન્ડની એક વીડિયો ક્લિપ શેર કરી હતી, જેમાં તેઓ ભારતના વડાપ્રધાન મોદી સાથે જોવા મળી રહ્યા છે. આ ક્લિપમાં તેઓ કહી રહ્યા છે, વડાપ્રધાન મોદી આપણા માટે બહુ સરસ ગિફ્ટ લઈને આવ્યા છે. આ ટૉફીઓ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ પછી તેમની જમણી બાજુએ ઉભા પીએમ મોદી ટૉફીનું પેકેટ ઉઠાવે છે જેના પર મૅલોડી લખેલું છે. આ ગિફ્ટ કેમેરા તરફ બતાવ્યા બાદ બંને ખડખડાટ હસી પડે છે.

આ પહેલા પીએમ મોદી ઇટાલીના વડાપ્રધાન મેલોની દ્વારા આયોજિત ડિનરમાં પણ સામેલ થયા હતા. તેમણે આ ડિનરની તસવીરો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ મેલોની સાથે વાતચીતની રાહ જોઈ રહ્યા છે, જેમાં બંને દેશો ભારત-ઇટાલી સંબંધોને વધુ મજબૂત કરવા પર ચર્ચા કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું, રાહુલ ગાંધીનું નિવેદન ખૂબ જ કમનસીબ છે અને ક્યાંક ને ક્યાંક તેમની અરાજકતાવાદી માનસિકતા દર્શાવે છે. હું માનું છું કે ભારતીય રાજનીતિમાં જ્યાં શુચિતા, સામાજિકતા અને એકબીજાને સન્માન આપવાની પ્રક્રિયા છે, તેમાં તેમનું આ નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું માનું છું કે સતત થઈ રહેલી હાર અને નિરાશા ક્યાંક ને ક્યાંક તેમના સ્વભાવ અને ચરિત્રમાં દેખાઈ રહી છે. આજે આપણે ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરીએ છીએ. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આતંકવાદ પર સંપૂર્ણ રીતે લગામ લગાવવાનું કામ કરવામાં આવ્યું છે. શું નક્સલવાદને ખતમ કરવો એ ગદ્દારી છે ? શું દેશની જમીનને સુરક્ષિત રાખવી એ ગદ્દારી છે?  શું સમગ્ર વિશ્વમાં તિરંગાનું સન્માન વધારવું એ ગદ્દારી છે ?