Kheda News: ખેડા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટના સામે આવી છે. કઠલાલ પંથકના એક ગામે શિક્ષકે શાળામાં ભણતી 9 વર્ષની દીકરી પર નજર બગાડી શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉં.વ.50) આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તા.31 ઓગસ્ટને શનિવારે સવારની શાળા હોવાથી અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધોરણ- 4 માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકીને બોલાવી હતી. જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ શારીરિક અડપલા અને છેડતી કરી હતી.
ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવી પોતાના પરિવારજનોને સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરી હતી. જે બાદ પરિવારજનોએ તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારીરિક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદની અટકાયત કરી પૂછપરછ કરી હતી. આ બાબતે ડીવાયએસપીએ જણાવ્યું કે, છેડતી, શારીરિક અડપલાની ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસની તપાસ ચાલુ છે, આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શિક્ષકને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા વાલીઓ માંગણી કરી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/