શ્રીનગર: જમ્મુ- કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે ત્રણ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. નેશનલ કોન્ફરન્સના ઉમેદવારો ચૌધરી મોહમ્મદ રમઝાન, સજ્જાદ અહમદ કિચલૂ અને શમી ઓબેરોયે જીત મેળવી છે. જ્યારે ચોથી બેઠક પર ભાજપના સત શર્મા વિજયી થયા છે.
ભાજપના ઉમેદવારને તેમની ધારાસભ્ય સંખ્યા (28) કરતાં 4 વધારાના વોટ (કુલ 32) મળતાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ક્રોસ વોટિંગ અને ભાજપના ખેલ પર ગંભીર સવાલો ઉઠાવ્યાં છે.
ઓમર અબ્દુલ્લાએ નિવેદન આપ્યું કે, ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સના તમામ વોટ યથાવત રહ્યાં, કારણ કે અમારા ચૂંટણી એજન્ટે દરેક મતદાનની સ્લીપ જોઈ હતી. અમારા કોઈ પણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી. ભાજપના 4 વધારાના મત ક્યાંથી આવ્યાં તે સૌથી મોટો સવાલ છે. જો કે અહીં તો ક્રોસ વોટિંગનો ખેલ જ દેખાઇ રહ્યો છે.
જમ્મુ- કાશ્મીર વિધાનસભામાં ભાજપના 28 ધારાસભ્યો છે. નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 53 ધારાસભ્યોનું સમર્થન હતું. જેમાં NCના 41, કોંગ્રેસના 6 અને CPIના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. 7 અપક્ષ ધારાસભ્યોમાંથી 5 ધારાસભ્યોનું NC સરકારને સમર્થન છે. ઉપરાંત, પીડીપી પ્રમુખ મહબુબા મુફ્તીએ પણ પોતાના ત્રણ ધારાસભ્યોનું સમર્થન નેશનલ કોન્ફરન્સના ઉમેદવારોને આપ્યું હતું. આ સમર્થનને જોતાં NCના ત્રણ ઉમેદવારોની જીત પાક્કી હતી. જો કે, ભાજપને મળેલા વધારાના ચાર મતોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે