રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે
ઘણા દેશોએ સંઘર્ષ સમાપ્ત કરવાની અપીલ કરી છે
Russia Ukraine Conflict: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જ યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોને લઈને કહ્યું હતું કે યુદ્ધ રોકવા ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી શકે છે. પુતિન બાદ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પણ કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ ખતમ કરવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. હવે સમાચાર સામે આવ્યાં છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ ટૂંક સમયમાં જ રશિયાની મુલાકાત લેશે.
જ્યાં તેઓ કઝાનમાં યોજાનારી સમિટ પહેલા BRICS- NSA બેઠકમાં ભાગ લેશે. ડોભાલ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે પણ ચર્ચા કરી શકે છે. આ મુલાકાત દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ સાથે અલગથી મુલાકાત કરે તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ પુતિન સાથેની ફોન પર વાતચીત દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે તેમની મુલાકાત પછી પીએમ શાંતિ સંબંધિત વિચારો પર ચર્ચા કરવા માટે તેમના NSA રશિયા મોકલશે.
માહિતી અનુસાર, આ મુલાકાત દરમિયાન ડોભાલ તેમના રશિયન સમકક્ષ અને બ્રિક્સના અન્ય સભ્ય દેશોના પ્રતિનિધિઓને મળશે. આમાં જુલાઈમાં મોસ્કો સમિટમાં થયેલી ચર્ચાના આધારે આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. આ BRICS NSAની બેઠક નવા પાંચ સભ્ય દેશો - સાઉદી અરેબિયા, UAE, ઈરાન, ઈજીપ્ત અને ઈથોપિયા ગ્રુપમાં સામેલ થયા બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526